અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટમાં ફરી ટ્રક અકસ્માત, અઠવાડિયામાં બીજી ઘટના

Trishuliya Ghat Truck Accident: અંબાજી નજીક આવેલા ત્રિશુલિયા ઘાટમાં ફરી એકવાર ટ્રક અકસ્માતની ઘટના સામે આવી છે.
Rupin Bakraniya
Rupin Bakraniya
Trishuliya Ghat Truck AccidentTrishuliya Ghat Truck Accident

Trishuliya Ghat Truck Accident

Trishuliya Ghat Truck Accident: અંબાજી નજીક આવેલા ત્રિશુલિયા ઘાટમાં ફરી એકવાર ટ્રક અકસ્માતની ઘટના સામે આવી છે. અઠવાડિયામાં જ બીજી વખત ટ્રક પલટી જતાં ઘાટની માર્ગ સલામતીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

મારબલ પાવડર ભરેલો ટ્રક પલટી ગયો

મળતી માહિતી મુજબ, અંબાજીથી ગાંધીધામ તરફ જઈ રહેલો મારબલ પાવડર ભરેલો ટર્બો ટ્રક ત્રિશુલિયા ઘાટના જોખમી વળાંક પાસે અચાનક પલટી ગયો હતો. ટ્રક પલટી જતાં માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. જોકે, અકસ્માતને પગલે ઘાટમાં વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અઠવાડિયામાં બીજી વખત અકસ્માત

ત્રિશુલિયા ઘાટમાં આ અઠવાડિયામાં જ આ બીજી મોટી અકસ્માતની ઘટના છે. ગત શનિવારે રાત્રે પણ આ જ સ્થળે એક મોટું ટ્રેલર પલટી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનું મોત થયું હતું. એક જ સ્થળે ટૂંકા ગાળામાં વારંવાર અકસ્માતો બનતા હોવાથી ત્રિશુલિયા ઘાટની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

જોખમી વળાંકોને કારણે અકસ્માતનું જોખમ

ત્રિશુલિયા ઘાટના જોખમી વળાંકો અને માર્ગ સલામતીની પૂરતી વ્યવસ્થાના અભાવને લઈને વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. ભારે વાહનો માટે આ માર્ગ વધુ જોખમી બનતો હોવાની ચર્ચા વચ્ચે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે. સ્થાનિકો અને વાહનચાલકોનું કહેવું છે કે જો આગામી સમયમાં યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો અહીં મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ છે.

તંત્ર તાત્કાલિક સુરક્ષા પગલાં ભરે તેવી માંગ

અવારનવાર બનતા અકસ્માતોને પગલે ત્રિશુલિયા ઘાટમાં માર્ગ સલામતી વધારવા, જોખમી વળાંકો અંગે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવા અને ભારે વાહનોની અવરજવર માટે યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠી છે. વારંવાર બનતી અકસ્માતની ઘટનાઓને પગલે હવે તંત્ર આ સ્થળે કાયમી ઉકેલ લાવે તેવી વાહનચાલકો અને સ્થાનિકોની અપેક્ષા છે.