Get News Alerts

Never miss breaking news updates.

Aravalli: મેઘરજના નેસડામાં માતા-પુત્રીના મોતનો મામલો, સાસરિયાં સામે ફરિયાદ

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નેસડા ગામમાં 24 વર્ષીય પરિણીત મહિલા અને તેની બે વર્ષની પુત્રીના કૂવામાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 09 Oct 2026 03:31 PM IST
Aravalli: મેઘરજના નેસડામાં માતા-પુત્રીના મોતનો મામલો,  સાસરિયાં સામે ફરિયાદAravalli: મેઘરજના નેસડામાં માતા-પુત્રીના મોતનો મામલો,  સાસરિયાં સામે ફરિયાદ

Aravalli

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નેસડા ગામમાં 24 વર્ષીય પરિણીત મહિલા અને તેની બે વર્ષની પુત્રીના કૂવામાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મહિલાના પિતાએ પતિ સહિત પાંચ સાસરિયાં સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપ સાથે મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી પતિ મહેશભાઈ ડામોરને પોલીસે ઝડપી પાડ્યો છે.

વર્ષ 2021માં થયા હતા લગ્ન

ફરિયાદી પુંજાભાઈ કાળુભાઈ મારીવાડ, જેઓ માલપુર તાલુકાના ચોરીવાડ ગામના રહેવાસી છે, તેમની પુત્રી સીમાબેનનાં લગ્ન વર્ષ 2021માં નેસડા ગામના મહેશભાઈ ડામોર સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન તેમને આશરે બે વર્ષની પુત્રી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા બે વર્ષથી સીમાબેનને ઘરકામ અને દૂધના પગારના હિસાબ સહિતની બાબતોને લઈને પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી દ્વારા વારંવાર શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

અગાઉ પણ પિયરમાં આવી હતી મહિલા

ફરિયાદ મુજબ, સાસરીમાં થતા કથિત ત્રાસને કારણે સીમાબેન અગાઉ પણ અનેક વખત પુત્રી સાથે પિયરમાં આવી હતી. પરિવારજનો સમજાવટ કરીને તેને પરત સાસરીમાં મોકલતા હતા. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે મે મહિનામાં લગ્ન પ્રસંગ દરમિયાન દાગીનાની બાબતે સાસુ અને જેઠે સીમાબેન સાથે મારપીટ કરી હતી.

ત્યારબાદ દૂધના પગારના હિસાબને લઈને સાસુ સાથે થયેલા વિવાદ બાદ સીમાબેન પુત્રી સાથે પિયરમાં આવી હતી. થોડા દિવસ પહેલાં તેનો પતિ તેને લેવા આવ્યો હતો. પરિવારજનોની સમજાવટ બાદ સીમાબેનને ફરી સાસરીમાં મોકલવામાં આવી હતી.

કૂવામાંથી માતા-પુત્રીના મૃતદેહ મળ્યા

7 ઓક્ટોબરની સવારે સીમાબેન અને તેની પુત્રી સાથે અઘટિત ઘટના બની હોવાની જાણ પરિવારજનોને થતાં તેઓ નેસડા ગામે પહોંચ્યા હતા. ત્યાં બંનેના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ, મહિલાએ પોતાની બે વર્ષની પુત્રીને સાડીમાં લપેટીને કૂવામાં ઝંપલાવ્યું હોવાની વિગતો સામે આવી છે.

પતિ સહિત પાંચ સામે ગુનો, પોલીસ તપાસ ચાલુ

આ મામલે મેઘરજ પોલીસે મહેશભાઈ ડામોર, દિવાબેન ડામોર, જાલાભાઈ ડામોર, રમેશભાઈ ડામોર અને મધીબેન ડામોર સામે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પતિ મહેશભાઈ ડામોરને ઝડપી પાડ્યો છે. સમગ્ર ઘટનાની હકીકત, કથિત ત્રાસ અને માતા-પુત્રીનાં મોત પાછળનાં સંજોગો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

નોંધ: સાસરિયાં સામેના ત્રાસના આક્ષેપો ફરિયાદમાં કરાયેલા દાવા છે. કેસમાં તમામ હકીકતો પોલીસ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Surat Varachha Murder Case: ઘરકંકાસનો કરુણ અંજામ! પત્નીની હત્યાના આરોપમાં પતિ સંજય પટેલની ધરપકડ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.