અરવલ્લીમાં પોશડોડાની હેરાફેરી સામે SOGની કાર્યવાહી, સ્કોર્પિયોમાંથી 278 કિલો નશીલો પદાર્થ ઝડપાયો



Aravalli SOG Posh Doda Seized
અરવલ્લીમાં પોશડોડાની હેરાફેરી સામે SOGની કાર્યવાહી, સ્કોર્પિયોમાંથી 278 કિલો નશીલો પદાર્થ ઝડપાયો



Aravalli SOG Posh Doda Seized
Aravalli SOG Posh Doda Seized: અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ધનસુરા પોલીસ સ્ટેશન હદના નવી શીણોલ ગામની સીમમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સ્કોર્પિયોનો પીછો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, સ્કોર્પિયોમાં સવાર શખ્સે પિસ્તોલથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કરતાં SOG PI પી.બી. ચૌધરીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, બંને શખ્સો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.

શંકાસ્પદ સ્કોર્પિયો રોકવાનો પ્રયાસ કરતાં ગાડી ભગાવી
SOGની ટીમ નવી શીણોલ ગામની સીમમાં નાઇટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી. દરમિયાન શીકા રોડ તરફથી કાળા રંગની સ્કોર્પિયો આવતી જોવા મળી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ગાડીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ચાલકે ગાડી રોકવાને બદલે પુરઝડપે કિશોરપુરા ચોકડી તરફ ભગાવી હતી. SOGની ટીમે સ્કોર્પિયોનો પીછો શરૂ કરી આગળ નાકાબંધીમાં રહેલા પોલીસ સ્ટાફને જાણ કરી હતી. રસ્તો બ્લોક થતાં સ્કોર્પિયો ચાલકે રિવર્સમાં ગાડી હંકારી શીકા ચોકડી તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સરકારી વાહન સાથે ટક્કર થતાં સ્કોર્પિયો રોડની નીચે ઉતરી ગઈ હતી.

પિસ્તોલથી ફાયરિંગના પ્રયાસનો પોલીસનો દાવો
જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, સ્કોર્પિયોમાં બે શખ્સો સવાર હતા. તેમાંથી ડ્રાઇવરે પિસ્તોલ કાઢીને ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન SOG PI પી.બી. ચૌધરી દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગની ઘટના બાદ બંને શખ્સો સ્કોર્પિયો છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી મેગેઝિન, બે જીવતા રાઉન્ડ અને મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ મળી હોવાનું જણાવ્યું છે.

278.77 કિલો પોશડોડા સહિત રૂ.50.01 લાખનો મુદ્દામાલ
સ્કોર્પિયોની તપાસ દરમિયાન પોલીસને પોશડોડા ભરેલા 16 કોથળા મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પોશડોડાનું કુલ વજન 278.77 કિલોગ્રામ છે, જેની અંદાજિત કિંમત રૂ.41.81 લાખ છે. આ ઉપરાંત રૂ.8 લાખની સ્કોર્પિયો કાર, બે મોબાઇલ ફોન, મેગેઝિન, બે જીવતા કારતૂસ અને જુદા-જુદા નંબરની નંબર પ્લેટ સહિત કુલ આશરે રૂ.50.01 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોશડોડા શું છે?
જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, અફીણમાંથી રસ કાઢી લીધા બાદ બાકી રહેતા મટીરિયલને પોશડોડા તરીકે ઓળખવામાં આવે છે અને તેનો નશા માટે ઉપયોગ થતો હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, અરવલ્લી જિલ્લામાં આ પ્રકારનું મટીરિયલ તૈયાર થતું હોવાની માહિતી નથી અને તે મોટાભાગે રાજસ્થાનના સાંચોર વિસ્તાર તરફથી આવતું હોવાની આશંકા છે.
રાજસ્થાન બોર્ડર પર નાકાબંધી, નેટવર્કની તપાસ
ઘટના બાદ ફરાર બંને શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ તેજ કરી છે. LCB અને SOGની બે-બે ટીમો બનાવી રાજસ્થાન બોર્ડર તરફ નાકાબંધી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક ટેકનિકલ પુરાવા પણ હાથ લાગ્યા છે. તેના આધારે પોશડોડાની હેરાફેરીનું નેટવર્ક સાંચોર વિસ્તાર તરફ જોડાયેલું છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ અગાઉની આવી ઘટનાઓને પણ તપાસના દાયરામાં લઈ રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ પહેલાં માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ ગેંગ દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. હાલ પોલીસે ફરાર બંને શખ્સોની ઓળખ અને તેમની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે. પોશડોડાની હેરાફેરી પાછળના સમગ્ર નેટવર્ક, સપ્લાયર અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





