અરવલ્લીમાં પોશડોડા ભરેલી સ્કોર્પિયો પર પોલીસનું ફાયરિંગ, બે આરોપી ફરાર



Aravalli Police Firing Bishnoi Gang
અરવલ્લીમાં પોશડોડા ભરેલી સ્કોર્પિયો પર પોલીસનું ફાયરિંગ, બે આરોપી ફરાર



Aravalli Police Firing Bishnoi Gang
Aravalli Police Firing Bishnoi Gang: અરવલ્લી જિલ્લામાં પોશડોડાની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. ધનસુરાના શીણોલ પાસે પોશડોડા ભરેલી હોવાની આશંકા ધરાવતી સ્કોર્પિયો કારને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારમાં સવાર આરોપીઓએ પોલીસ તરફ પિસ્તોલ તાકતાં સ્વબચાવમાં SOGની ટીમે ફાયરિંગ કર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

શીણોલ પાસે પોલીસ અને આરોપીઓ આમને-સામને
મળતી માહિતી મુજબ, ધનસુરાના શીણોલ વિસ્તારમાં SOGની ટીમ દ્વારા શંકાસ્પદ સ્કોર્પિયો કારને અટકાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કારમાં પોશડોડા હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. જોકે, આ દરમિયાન પરિસ્થિતિ અચાનક તંગ બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, કારમાં સવાર આરોપીઓએ પિસ્તોલ બહાર કાઢી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગ બાદ બે આરોપીઓ ફરાર
પોલીસના ફાયરિંગ બાદ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા બે આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો વધારાનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા વાહનોની ચકાસણી તેમજ સંભવિત ભાગવાના માર્ગો પર પણ નજર રાખવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા કારમાં રહેલા પદાર્થ તેમજ હથિયાર અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ સામે આવે તેવી શક્યતા છે.
પોલીસની નાકાબંધી, આરોપીઓની શોધખોળ તેજ
ફરાર આરોપીઓને ઝડપી પાડવા અરવલ્લી પોલીસ દ્વારા વિવિધ ટીમોને કામે લગાડવામાં આવી છે. શીણોલ અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





