Get News Alerts

Never miss breaking news updates.

Aravalliમાં LCB અને બિશ્નોઈ ગેંગ વચ્ચે એન્કાઉન્ટર, એક સાગરીતને પગમાં ગોળી વાગી; PI સહિત 3 ઈજાગ્રસ્ત

Aravalli LCB Bishnoi Gang Encounter: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરડુંગરી ગામ નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને બિશ્નોઈ ગેંગના સાગરીતો વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, શંકાસ્પદ...
R Gajjar
R GajjarUpdated on: 02 Oct 2026 05:17 PM IST
Aravalliમાં LCB અને બિશ્નોઈ ગેંગ વચ્ચે એન્કાઉન્ટર, એક સાગરીતને પગમાં ગોળી વાગી; PI સહિત 3 ઈજાગ્રસ્તAravalliમાં LCB અને બિશ્નોઈ ગેંગ વચ્ચે એન્કાઉન્ટર, એક સાગરીતને પગમાં ગોળી વાગી; PI સહિત 3 ઈજાગ્રસ્ત

Aravalli LCB Bishnoi Gang Encounter

Aravalli LCB Bishnoi Gang Encounter: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરડુંગરી ગામ નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને બિશ્નોઈ ગેંગના સાગરીતો વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, શંકાસ્પદ સ્કોર્પિયો કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવતાં કારમાં સવાર શખ્સોએ પોલીસની જીપ પર ફાયરિંગ કર્યું હતું. જવાબમાં પોલીસે સ્વબચાવમાં વળતો ગોળીબાર કરતાં એક શખ્સના પગમાં ગોળી વાગી હતી. આ ઘટનામાં LCBના PI એમ.એચ. ઝાલા સહિત ત્રણ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયાની માહિતી છે.

બાતમીના આધારે પોલીસે ગોઠવી નાકાબંધી

અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ નશીલા પદાર્થોની હેરાફેરી સામે કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન PI એમ.એચ. ઝાલાને બાતમી મળી હતી કે સ્કોર્પિયો કારમાં પોશડોડાનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે માલપુરના મોરડુંગરી ગામ નજીક નાકાબંધી ગોઠવી હતી. શંકાસ્પદ સ્કોર્પિયોને રોકવાનો પ્રયાસ કરતાં કારમાં સવાર શખ્સોએ પોલીસની જીપ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસના વળતા ફાયરિંગમાં એક શખ્સ ઈજાગ્રસ્ત

પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગ બાદ PI ઝાલાએ સ્વબચાવમાં ત્રણથી ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક શખ્સના પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ પોલીસે ઈજાગ્રસ્ત શખ્સ પાસેથી એક માઉઝર પિસ્તોલ અને સ્કોર્પિયો કારમાંથી બીજી માઉઝર પિસ્તોલ કબજે કરી હોવાની માહિતી આપી છે. ફરાર શખ્સને પકડવા માટે પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સ્કોર્પિયોમાંથી પોશડોડાનો જથ્થો મળ્યાનો દાવો

પોલીસે સ્કોર્પિયો કારની તપાસ કરતાં તેમાંથી બોરીમાં ભરેલો પોશડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનો દાવો કર્યો છે. પોલીસે વાહન અને નશીલા પદાર્થનો જથ્થો કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા જથ્થાની ચકાસણી અને ફોરેન્સિક તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ફરાર આરોપીને પકડવા તપાસ તેજ

અરવલ્લી જિલ્લો રાજસ્થાનની સરહદ નજીક આવેલો હોવાથી ફરાર શખ્સને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા નાકાબંધી અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે. પોલીસની તપાસમાં ગોળીબારની સમગ્ર પરિસ્થિતિ, જપ્ત કરાયેલા નશીલા પદાર્થનો જથ્થો અને હેરાફેરીના નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]