Get News Alerts

Never miss breaking news updates.

Gir Somnath : ઉનાના મછુન્દ્રી બ્રિજ પર જોખમ, તંત્રના પ્રતિબંધનો ભંગ! જર્જરિત મછુન્દ્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર યથાવત

Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં મછુન્દ્રી નદી પર આવેલો વર્ષો જૂનો બ્રિજ હાલ જર્જરિત અને અતિભયજનક સ્થિતિમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 09 Oct 2026 02:53 PM IST
Gir Somnath : ઉનાના મછુન્દ્રી બ્રિજ પર જોખમ, તંત્રના પ્રતિબંધનો ભંગ! જર્જરિત મછુન્દ્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર યથાવતGir Somnath : ઉનાના મછુન્દ્રી બ્રિજ પર જોખમ, તંત્રના પ્રતિબંધનો ભંગ! જર્જરિત મછુન્દ્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર યથાવત

Una’s Vital Bridge Faces Safety

Gir Somnath : આશરે 60 વર્ષથી વધુ જૂના આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર ફરી શરૂ થતાં સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ પુલ પરથી સ્કૂલ બસો પણ પસાર થઈ રહી હોવાની રજૂઆતો થઈ રહી છે.

પુલની જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા તેના પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પુલની બંને તરફ બેરીકેટ પણ લગાવવામાં આવ્યા હતા. જોકે, હાલ બંને બાજુના બેરીકેટ તોડી નાખવામાં આવ્યા હોવાના અહેવાલો છે અને ભારે વાહનો ફરી પુલ પરથી પસાર થઈ રહ્યાં છે. આ સ્થિતિમાં પ્રતિબંધનો અમલ કોણ કરાવશે અને વાહનોની અવરજવર પર નિયંત્રણ કોણ રાખશે તેવા સવાલો ઊભા થયા છે.

મછુન્દ્રી બ્રિજનું સમારકામ કે નવો પુલ બનાવવાની માગ

આ પુલની મરામત અથવા નવો બ્રિજ બનાવવાની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આશરે એકથી બે વર્ષ પહેલાં ઉના શહેરના વેપારી એસોસિયેશનના વિવિધ સંગઠનોએ પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં પુલનું રિનોવેશન કરવા અથવા નવો બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં પુલની હાલતમાં ખાસ સુધારો જોવા મળતો ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

ઉના નગરપાલિકાના સદસ્ય મનોજભાઈ બાંભણિયા અને વેપારી અગ્રણી અબાસભાઈ સુમરાણી દ્વારા પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

તંત્રની કામગીરી સામે સવાલ

જ્યારે વર્તમાન ધારાસભ્ય કે.સી. રાઠોડે પણ પુલની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, અત્યાર સુધી પુલના ખાડા પૂરી ડામર પાથરવા જેવી કામગીરી જ કરવામાં આવી હોવાની રજૂઆત છે. ઉના-ભાવનગર હાઈવેને જોડતો આ પુલ સ્થાનિક વાહનવ્યવહાર માટે મહત્ત્વપૂર્ણ છે. ઉપરાંત દીવ, સોમનાથ અને તુલસીશ્યામ જેવા પ્રવાસન સ્થળો તરફ જતા વાહનો માટે પણ આ માર્ગ ઉપયોગી છે.

હવે સ્થાનિક નાગરિકો અને વેપારીઓ દ્વારા પુલ પરથી ભારે વાહનો તથા સ્કૂલ વાહનોની અવરજવર રોકવા, ફરીથી બેરીકેટ લગાવવા અને પુલની સલામતીનું તાત્કાલિક નિરીક્ષણ કરવાની માંગ ઉઠી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર યોગ્ય પગલાં લેશે કે નહીં તે અંગે લોકોમાં ચિંતા છે.

આ પણ વાંચો : Amreli News : બગસરામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન, વિદ્યાર્થીઓને મળ્યું કલા પ્રદર્શનનું મંચ

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે