Amreli Road Accident: અમરેલીમાં પીકઅપ ગાડી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે મોત


Amreli Car and bike Road Accident
Amreli Road Accident: અમરેલીમાં પીકઅપ ગાડી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે મોત


Amreli Car and bike Road Accident
Amreli Road Accident: અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતની એક દુઃખદ ઘટના સામે આવી છે. ગુંદરણ-પાંચ તલાવડા રોડ પર પીકઅપ ગાડી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પર સવાર અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે નાના એવા ગુંદરણ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ
મળતી માહિતી મુજબ, ગુંદરણ-પાંચ તલાવડા રોડ પર પીકઅપ ગાડી અને બાઈક વચ્ચે કોઈ કારણોસર જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકચાલક પ્રિન્સ રૂપેશભાઈ ગોહિલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવાનના અચાનક મોતના સમાચારથી પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આઘાતની લાગણી ફેલાઈ હતી.
આ અકસ્માતમાં બાઈક પર સવાર 20 વર્ષીય અમિત પરમારને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત અમિતને તાત્કાલિક સારવાર માટે લીલીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ગુંદરણ ગામના યુવાન પ્રિન્સ ગોહિલના અકાળે અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત અમિત પરમારની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: Gujarat Tribal Welfare: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આદિવાસી સમાજને ₹2,311 કરોડના વિકાસકાર્યોની ભેટ, 18,828 લાભાર્થીઓને વન અધિકાર પત્રો એનાયત




