Amreli : વાવણી બાદ વરસાદ ગાયબ, ધારીના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું



Amreli
Amreli : વાવણી બાદ વરસાદ ગાયબ, ધારીના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું



Amreli
Amreli : જોકે વાવણી બાદ લાંબો સમય વરસાદ ન પડતા અનેક વિસ્તારોમાં ખેતરમાં ઊભેલો પાક સુકાવા લાગ્યો છે. ધારી તાલુકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે. તાલુકામાં મોટા ઉદ્યોગોનો અભાવ હોવાથી મોટાભાગના ખેડૂતો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે.
ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ સિઝન પ્રમાણે બિયારણની ખરીદી કરી ખેતરોમાં વાવણી કરી હતી.
ખેતરોમાં ઊભો પાક સુકાવા લાગ્યો
મુખ્યત્વે મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ થયો છે, પરંતુ પાકની જરૂરિયાત મુજબ પૂરતો અને સમયસર વરસાદ ન મળતા ખેતરમાં ઊભો પાક નબળો પડી રહ્યો છે. ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી પાછળ ખર્ચ કર્યો છે. વાવણી બાદ યોગ્ય વરસાદની આશા રાખતા ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.
વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. બીજી તરફ, પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો ફુવારા પદ્ધતિ સહિતના વિકલ્પોનો ઉપયોગ કરીને પોતાના પાકને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે તમામ ખેડૂતો પાસે પિયતની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની ચિંતા યથાવત છે.
ધારીના ખેડૂતોની વરસાદ તરફ મીટ
જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ, હાલ ચોમાસાની સિઝન પૂર્ણ થઈ નથી અને અગાઉ થયેલા સારા વરસાદને કારણે પાણીના સ્તરમાં પણ વધારો થયો છે. અમરેલી જિલ્લામાં અંદાજે 5.56 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું વાવેતર થયું છે અને ખેતીવાડી વિભાગની ટીમો સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરીને પાકને બચાવી શકે છે.
આગામી દિવસોમાં વરસાદ થાય તો કેટલાક પાકને બચાવી શકાય તેવી શક્યતા છે. હાલ ધારી તાલુકામાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની નજર મેઘરાજા પર છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો સુકાઈ રહેલા પાકને જીવનદાન મળી શકે છે. અન્યથા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સાથે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



