Vadodara News: વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે પર ચીકણા કેમિકલથી હાહાકાર, 25થી વધુ બાઈકચાલક અકસ્માતનો ભોગ બન્યા


Vadodara News
Vadodara News: વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે પર ચીકણા કેમિકલથી હાહાકાર, 25થી વધુ બાઈકચાલક અકસ્માતનો ભોગ બન્યા


Vadodara News
Vadodara News: વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર કરજણ નજીક રસ્તા પર ચીકણું કેમિકલ ઢોળાતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી. કંડારી બ્રિજ અને કરજણ રેલવે ઓવરબ્રિજ નજીક આશરે એક કિલોમીટર સુધી રસ્તા પર ચીકણો પદાર્થ ફેલાઈ જતાં 25થી વધુ બાઈકચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતોમાં અનેક બાઈકચાલકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક નાગરિકો મદદે આવ્યા
મળતી માહિતી મુજબ, વડોદરાથી ભરૂચ તરફ જવાના ટ્રેક પર રસ્તા ઉપર ચીકણું કેમિકલ ઢોળાયું હતું. તેના કારણે રોડ લપસણો બની ગયો હતો. આ માર્ગ પરથી પસાર થતા બાઈકચાલકોને રસ્તાની સ્થિતિનો અંદાજ ન આવતાં તેઓ સ્લીપ થઈને નીચે પટકાયા હતા. એક પછી એક બાઈકચાલકો અકસ્માતનો ભોગ બનતાં હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને લઈને ચિંતાજનક બાબત એ હતી કે અકસ્માતો સર્જાયા બાદ પણ આશરે બે કલાક સુધી હાઈવે ઓથોરિટીનું તંત્ર કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રસ્તા પર ફેલાયેલા ચીકણા પદાર્થને કારણે વધુ અકસ્માતો થવાની શક્યતા હોવાથી સ્થાનિક નાગરિકો મદદે આવ્યા હતા.
બે કલાક સુધી તંત્રની રાહ જોવાઈ
સ્થાનિક લોકો રસ્તા પર ઊભા રહીને પસાર થતા વાહનચાલકોને ચેતવણી આપતા નજરે પડ્યા હતા, જેથી અન્ય વાહનચાલકો અકસ્માતનો ભોગ બનતા બચી શકે. નાગરિકોએ પોતાની રીતે વાહનોની ગતિ ધીમી કરાવવા અને લોકોને જોખમી રસ્તા અંગે સાવચેત કરવા પ્રયાસ કર્યો હતો. નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર આ પ્રકારની ઘટના વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. રસ્તા પર કેમિકલ કેવી રીતે ઢોળાયું અને તેને દૂર કરવા માટે સમયસર કાર્યવાહી કેમ ન થઈ, તે તપાસનો વિષય છે. હાઈવે ઓથોરિટી અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ રસ્તાને સુરક્ષિત બનાવવામાં આવે તેવી માગ ઊઠી છે.
આ પણ વાંચો: Junagadh News: દોલતપરા વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી 3 લાખ રોકડા ચોરનારા 2 તસ્કર ગણતરીના દિવસોમાં ઝડપાયા, પોલીસે પૂરેપૂરી રકમ કબ્જે કરી





