અમદાવાદમાં વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026નો પ્રારંભ, અમિત શાહે કહ્યું- ગુજરાત બનશે ગ્લોબલ સ્પોર્ટ્સ હબ

World Archery Para Series 2026 Ahmedabad: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભારતમાં પ્રથમવાર આયોજિત ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026’નો પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી...
Rupin Bakraniya
Rupin Bakraniya
World Archery Para Series 2026 AhmedabadWorld Archery Para Series 2026 Ahmedabad

World Archery Para Series 2026 Ahmedabad

World Archery Para Series 2026 Ahmedabad: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભારતમાં પ્રથમવાર આયોજિત ‘ધ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS)-2026’નો પ્રારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી કરાવ્યો હતો. તા. 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત સહિત 19 દેશોના 108 પેરા તીરંદાજો ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આર્ચરી એસોસિએશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનવા સજ્જઃ અમિત શાહ

અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ સેન્ટર બનાવવાનું વિઝન છે. ગુજરાત માત્ર રમતગમતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે જ નહીં, પરંતુ ખેલાડીઓની તાલીમ, અત્યાધુનિક સુવિધાઓ અને સ્પોર્ટ્સ સાધનોના ઉત્પાદન માટે પણ વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ ઉપરાંત સ્પોર્ટ્સ ઇન્જરીના મેડિકલ સાયન્સ ક્ષેત્રે પણ ગુજરાત વિશ્વભરના ખેલાડીઓ માટે મહત્વનું કેન્દ્ર બનીને ઊભરશે. અમિત શાહે ભારતીય પેરા આર્ચરી ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધારતા હરવિંદર સિંહ, શીતલ દેવી, રાકેશ કુમાર, શ્યામ સુંદર સ્વામી અને પાયલ સહિતના ખેલાડીઓને પ્રેરણાના સ્રોત ગણાવ્યા હતા. આ સ્પર્ધામાં ભારતની 29 સભ્યોની ટીમ ભાગ લઈ રહી છે.

‘ખેલે તે ખીલે’ મંત્રથી સ્પોર્ટ્સ સેક્ટરમાં પરિવર્તનઃ ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન્માષ્ટમીના પાવન પર્વે તમામ ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખેલે તે ખીલે’ના મંત્રથી ભારતના સ્પોર્ટ્સ સેક્ટરમાં 360 ડિગ્રી પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે ‘ખેલ મહાકુંભ’ અને ‘ખેલો ઇન્ડિયા’ જેવા અભિયાનોના કારણે પેરા સ્પોર્ટ્સને પણ નવી દિશા મળી છે. પેરા સ્પોર્ટ્સમાં થયેલા પરિવર્તનનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે તાજેતરની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીતેલા 29 મેડલમાંથી 7 મેડલ દિવ્યાંગ ખેલાડીઓએ મેળવ્યા હતા.

ગાંધીનગરમાં રૂ. 316 કરોડનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર

ગુજરાતમાં પેરા સ્પોર્ટ્સના વિકાસ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગાંધીનગરમાં રૂ. 316 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘પેરા-હાઈ પરફોર્મન્સ સેન્ટર’ તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત પેરા ઓલિમ્પિકમાં ભાગ લેનાર દરેક દિવ્યાંગ ખેલાડીને રાજ્ય સરકાર દ્વારા રૂ. 10 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. પાયાના સ્તરે આર્ચરીના વિકાસ માટે ગુજરાતની 28 શાળાઓમાં 1,000 ખેલાડીઓને તાલીમ આપવામાં આવી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અમદાવાદમાં છ મહિનામાં પાંચમી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ WAPS-2026ને માત્ર સ્પર્ધા નહીં પરંતુ માનવીય ક્ષમતા અને મજબૂત સંકલ્પશક્તિના ઉત્સવ તરીકે ગણાવી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં અમદાવાદમાં આ પાંચમી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે. તેમણે કહ્યું કે આર્ચરી આદિવાસી વિસ્તારના યુવાનોની નૈસર્ગિક શક્તિ છે અને અનેક પ્રતિભાઓ દેશનું નામ રોશન કરી રહી છે. વર્ષ 2026-27માં ગુજરાતમાં રમતગમત માટે રૂ. 66 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગરમાં તૈયાર થઈ રહેલા પેરા સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટરમાં AI અને સ્પોર્ટ્સ સાયન્સ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

શીતલ દેવીને ‘પેરા આર્ચર ઑફ ધ યર’ એવોર્ડ

WAPS-2026ના ઉદ્ઘાટન પ્રસંગે વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન શીતલ દેવીને ‘પેરા આર્ચર ઑફ ધ યર’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્લ્ડ આર્ચરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જુઆન કાર્લોસ હોલ્ગાડોએ શીતલ દેવીને આ સન્માન આપ્યું હતું.

19 દેશોના 108 તીરંદાજો વચ્ચે મુકાબલો

અમદાવાદમાં યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ભારત ઉપરાંત ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઈરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, સાયપ્રસ, ચેકિયા, ઈરાક અને રશિયન ફેડરેશન સહિત કુલ 19 દેશોના તીરંદાજો ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધામાં રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, ડબલ્યૂ-1 અને વિઝ્યુઅલી ઇમ્પેર્ડ કેટેગરીમાં વિશ્વના અગ્રણી પેરા આર્ચર્સ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની તરફ આગળ વધી રહ્યું છે ત્યારે WAPS-2026નું આયોજન ગુજરાતની વધતી સ્પોર્ટ્સ ક્ષમતાને વૈશ્વિક મંચ પર રજૂ કરતું મહત્વપૂર્ણ આયોજન બની રહ્યું છે.