Ahmedabad Civil Hospital: રક્ષાબંધન અને ઈદ પર સામાજિક સમરસતાની અદ્ભુત મિસાલ: મુસ્લિમ દીકરીએ સ્પાઈન સર્જનને બાંધી રાખડી



Rakhi to Spine Surgeon
Ahmedabad Civil Hospital: રક્ષાબંધન અને ઈદ પર સામાજિક સમરસતાની અદ્ભુત મિસાલ: મુસ્લિમ દીકરીએ સ્પાઈન સર્જનને બાંધી રાખડી



Rakhi to Spine Surgeon
Rakhi to Spine Surgeon: રક્ષાબંધન અને ઈદના પર્વ વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલ સ્થિત ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં માનવતા, વિશ્વાસ અને સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. બિહારની 14 વર્ષીય મુસ્લિમ દીકરી ઈકરા શેખે પોતાના સ્પાઈન સર્જન ડૉ. પીયૂષ મિત્તલના કાંડા પર રાખડી બાંધીને તેમને ભાઈ અને રક્ષક સમાન ગણાવ્યા હતા. આ માત્ર રાખડી બાંધવાનો પ્રસંગ નહોતો, પરંતુ ડોક્ટર અને દર્દી વચ્ચેના વિશ્વાસ, કૃતજ્ઞતા અને માનવતાનો ભાવુક સંદેશ પણ બની રહ્યો હતો.

ખોટા નિદાનથી સર્જરી સુધીની વાત, સચોટ તપાસે બદલી સારવારની દિશા
મૂળ બિહારની 14 વર્ષીય ઈકરા શેખને થોડા સમયથી કમરમાં ભારે દુખાવો થતો હતો. શરૂઆતમાં સામાન્ય દવાઓ લેવા છતાં દુખાવામાં રાહત ન મળતાં પરિવારજનોએ વધુ તપાસ કરાવી હતી. MRI રિપોર્ટના આધારે ઈકરાને ટીબી હોવાની અને સર્જરીની જરૂર પડી શકે તેવી માહિતી આપવામાં આવી હતી. આ વાતથી પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ વધુ યોગ્ય માર્ગદર્શન માટે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલની ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચ્યા હતા. અહીં ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને સિનિયર સ્પાઈન સર્જન ડૉ. પીયૂષ મિત્તલે ઈકરાની વિગતવાર તપાસ કરી હતી.

બાયોપ્સી માટે પરિવારને સમજાવ્યા, સામે આવ્યું ચોંકાવનારું નિદાન
ડૉ. મિત્તલે ચોક્કસ નિદાન માટે બાયોપ્સી કરાવવાની સલાહ આપી હતી. જોકે, બાયોપ્સીનું નામ સાંભળતાં પરિવારજનોમાં ચિંતા વધી હતી અને શરૂઆતમાં તેમણે બાયોપ્સી કરાવવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ ડૉ. મિત્તલે પરિવારને વૈજ્ઞાનિક અભિગમ સાથે સમજાવ્યું કે યોગ્ય સારવાર માટે બીમારીનું ચોક્કસ કારણ જાણવું જરૂરી છે. આખરે પરિવાર બાયોપ્સી માટે તૈયાર થયો. બાયોપ્સીના રિપોર્ટમાં સામે આવ્યું કે ઈકરાને ટીબી નહીં, પરંતુ ‘સ્યુડોમોનાસ’ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હતું. આ નિદાન બાદ ઈકરાને યોગ્ય એન્ટિબાયોટિક સારવાર આપવામાં આવી. પરિણામે તેને દુખાવામાં રાહત મળવા લાગી અને તેની તબિયતમાં ઝડપથી સુધારો થયો.

બિનજરૂરી સર્જરી અને ખોટી સારવારથી બચી માસૂમ ઈકરા
સચોટ નિદાનના કારણે ઈકરાને ખોટી દવાઓ અને બિનજરૂરી સર્જરીથી બચાવી શકાયી. યોગ્ય તપાસ અને લેબોરેટરી રિપોર્ટના આધારે સારવારની દિશા બદલાતા પરિવારને પણ મોટી રાહત મળી. ઈકરાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ડૉ. પીયૂષ મિત્તલે તેને ખોટા નિદાનના માર્ગે જતાં અને મોટી સર્જરીથી બચાવી છે. તેના માટે ડૉક્ટર માત્ર ડોક્ટર નહીં, પરંતુ ભાઈ અને રક્ષક સમાન છે.

રક્ષાબંધનના દિવસે ડોક્ટરના કાંડે બંધાઈ રાખડી
ગવર્મેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે લાયન્સ ક્લબ અને સંસ્થાના સંયુક્ત આયોજનમાં રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ઈકરાએ ડૉ. પીયૂષ મિત્તલને રાખડી બાંધી હતી. ઈકરાના આ પ્રેમ અને કૃતજ્ઞતાભર્યા gestureથી કાર્યક્રમનું વાતાવરણ ભાવુક બની ગયું હતું. એક દર્દીએ પોતાના ડોક્ટરને ભાઈ સમાન માનીને રાખડી બાંધતા આ ક્ષણ સામાજિક સમરસતા અને માનવતાનું પ્રતીક બની હતી.

‘ઈકરાએ રાખડી બાંધી ત્યારે ડોક્ટર નહીં, ભાઈ તરીકે ગર્વ અનુભવાયો’
ડૉ. પીયૂષ મિત્તલે જણાવ્યું હતું કે ઈકરાએ તેમને રાખડી બાંધી ત્યારે એક ડોક્ટર તરીકે નહીં પરંતુ એક ભાઈ તરીકે ગર્વ અનુભવાયો હતો. તેમણે કહ્યું કે ડોક્ટર અને દર્દીનો સંબંધ માત્ર દવા અને સારવાર પૂરતો મર્યાદિત નથી. આ સંબંધમાં વિશ્વાસ, લાગણી અને માનવતાનું પણ એટલું જ મહત્વ છે. તેમણે વધુમાં જણાવ્યું કે યોગ્ય નિદાન વિના એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવાથી એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ અને સુપરબગ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી કોઈપણ બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કિસ્સામાં મૂળ કારણ શોધવું અને યોગ્ય લેબ ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી છે.
‘અટકળો નહીં, યોગ્ય તપાસ બાદ જ સારવાર કરાવો’
ડૉ. મિત્તલે લોકોને અપીલ કરી કે કોઈપણ ગંભીર ઇન્ફેક્શન કે લાંબા સમયથી ચાલતી તકલીફમાં માત્ર અંદાજના આધારે દવાઓ લેવાને બદલે નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. યોગ્ય તપાસ અને જરૂરી લેબોરેટરી ટેસ્ટ બાદ જ બીમારીનું ચોક્કસ નિદાન થઈ શકે છે અને તેના આધારે યોગ્ય સારવાર શરૂ કરી શકાય છે. ખોટા નિદાનને કારણે ઘણી વખત સારવાર લાંબી ખેંચાઈ શકે છે અને દર્દીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
રક્ષાબંધન અને ઈદ વચ્ચે એકતાનો સંદેશ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના માત્ર એક તબીબી સફળતાની કહાની નથી. એક તરફ 14 વર્ષીય મુસ્લિમ દીકરી અને બીજી તરફ તેના ડોક્ટર વચ્ચે બંધાયેલું રક્ષાસૂત્ર સમાજને પ્રેમ, વિશ્વાસ, ભાઈચારા અને માનવતાનો સંદેશ આપે છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે ઈકરાએ ડૉ. પીયૂષ મિત્તલને બાંધેલી રાખડી એ વાતનો જીવંત પુરાવો બની કે માનવતાનો સંબંધ ધર્મ અને સામાજિક ભેદભાવથી ઘણો ઉપર છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



