અમદાવાદમાં પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડનું કૌભાંડ ઝડપાયું, ગ્રાહકોના ફોટા-ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ


Pre Activated SIM Card Scam Ahmedabad
અમદાવાદમાં પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડનું કૌભાંડ ઝડપાયું, ગ્રાહકોના ફોટા-ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ


Pre Activated SIM Card Scam Ahmedabad
Pre Activated SIM Card Scam Ahmedabad: અમદાવાદમાં ગ્રાહકોની જાણ બહાર તેમના ફોટા અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કાગડાપીઠ પોલીસે કાર્યવાહી કરીને 108 પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં ઉત્તરાખંડના બે અને અમદાવાદનો એક આરોપી સામેલ છે. અમદાવાદનો આરોપી ખમણની લારી ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ગ્રાહકોના ફોટા અને ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ સીમકાર્ડ લેવા આવતા સામાન્ય ગ્રાહકોની બાયોમેટ્રિક પ્રક્રિયા દરમિયાન તેમનો ફોટો અને ફિંગરપ્રિન્ટ લેતા હતા. ત્યારબાદ રજીસ્ટ્રેશન ફેલ થયું હોવાનું કહી ગ્રાહકોને પરત મોકલી દેવામાં આવતા હતા. આ પછી આ જ ગ્રાહકના ફોટા અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને તેની જાણ બહાર વધારાના સીમકાર્ડ એક્ટિવેટ કરવામાં આવતા હોવાનો પોલીસનો આક્ષેપ છે.

ગ્રાહકની જાણ બહાર વધારાના સીમકાર્ડ એક્ટિવેટ
આરોપીઓ દ્વારા આ રીતે એક્ટિવેટ કરાયેલા સીમકાર્ડ બાદમાં પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ તરીકે અન્ય લોકોને ઊંચા ભાવે વેચવામાં આવતા હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. ખાસ કરીને પોતાના નામે સીમકાર્ડ લેવા ન માંગતા લોકો આવા પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ ખરીદતા હોવાની વિગતો પણ પોલીસને મળી છે. આથી સમગ્ર કૌભાંડમાં સીમકાર્ડનો ગેરકાયદેસર ઉપયોગ થવાની શક્યતા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

108 સીમકાર્ડ સહિત મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ પોલીસે આરોપીઓ પાસેથી 108 પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ, ચાર મોબાઇલ ફોન અને પાંચ ફિંગરપ્રિન્ટ મશીન સહિત કુલ રૂ.1,09,400નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ હવે આ સીમકાર્ડ કોને વેચવામાં આવ્યા હતા, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી અને સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ કરી રહી છે.\

સીમકાર્ડના નામે ચાલી રહ્યું હતું મોટું નેટવર્ક?
પ્રાથમિક તપાસમાં ગ્રાહકોના બાયોમેટ્રિક ડેટાનો ઉપયોગ કરીને તેમની જાણ બહાર સીમકાર્ડ એક્ટિવેટ કરાતાં હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિથી ગ્રાહકોની ઓળખનો દુરુપયોગ થવાની સાથે તેમના નામે સીમકાર્ડનો ઉપયોગ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થઈ શકે તેવી શક્યતા પણ ઊભી થાય છે. હાલ કાગડાપીઠ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ પાસેથી મળેલા સીમકાર્ડ તથા અન્ય સાધનોના આધારે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.




