Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad: મણિનગરમાં પીવાના પાણીનો વેડફાટ: ઉત્તમનગર ગાર્ડન પાસે હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું, તંત્ર સામે રોષ

Ahmedabad: મણિનગર વોર્ડમાં વહેલી સવારે પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતાં હજારો લિટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું અને બાદમાં સીધું ગટરમાં વહી જતાં પાણીનો મોટાપાયે બગાડ થયો હતો.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 11 Sep 2026 10:38 AM IST
Ahmedabad: મણિનગરમાં પીવાના પાણીનો વેડફાટ: ઉત્તમનગર ગાર્ડન પાસે હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું, તંત્ર સામે રોષAhmedabad: મણિનગરમાં પીવાના પાણીનો વેડફાટ: ઉત્તમનગર ગાર્ડન પાસે હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું, તંત્ર સામે રોષ

Ahmedabad

Ahmedabad: મણિનગર વોર્ડમાં ઉત્તમનગર ગાર્ડન પાસે વહેલી સવારે પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતાં હજારો લિટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું અને બાદમાં સીધું ગટરમાં વહી જતાં પાણીનો મોટાપાયે બગાડ થયો હતો. વહેલી સવારે ગાર્ડનમાં વોકિંગ અને કસરત માટે આવતા સ્થાનિક નાગરિકો તેમજ દોડવીરોને રસ્તા પર પાણી ભરાઈ જતાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પાઇપલાઇન લીકેજથી સતત વહી રહ્યું હતું પાણી

સ્થાનિકોના જણાવ્યા મુજબ, પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજની જાણ સંબંધિત તંત્રને સમયસર કરવામાં આવી હતી. તેમ છતાં, સ્થાનિકોના આક્ષેપ મુજબ મણિનગર વોર્ડના પાણી ખાતાના કર્મચારીઓ કે અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ન હતા. જેના કારણે કિંમતી શુદ્ધ પાણી લાંબા સમય સુધી બેરોકટોક વહીને ગટરમાં જતું રહ્યું હતું.

વોકિંગ માટે આવતા લોકો પણ પરેશાન

ઉત્તમનગર ગાર્ડન આસપાસ વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો વોકિંગ, કસરત અને દોડવા માટે આવતા હોય છે. રસ્તા પર પાઇપલાઇનનું પાણી ફરી વળતાં રાહદારીઓ અને દોડવીરોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. પાણીના સતત વહેણને કારણે રસ્તા પર પણ અસુવિધા સર્જાઈ હતી.

એક તરફ પાણીની અછત, બીજી તરફ હજારો લિટર બગાડ

એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં નાગરિકોને પીવાનું પાણી મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ક્યાંક પાણી ખેંચવા માટે ખાડા ખોદીને મોટરનો સહારો લેવો પડે છે, ત્યારે બીજી તરફ પાઇપલાઇન લીકેજના કારણે હજારો લિટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી જવાની ઘટના સામે આવી છે. આ સ્થિતિએ તંત્રની પાણી વ્યવસ્થાપન કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

જાણ કરવા છતાં તાત્કાલિક કામગીરી કેમ નહીં?

સ્થાનિક નાગરિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે પાણીની એક-એક બુંદ બચાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે, પરંતુ પાઇપલાઇન લીકેજ જેવી ગંભીર સમસ્યાની જાણ કર્યા બાદ પણ તાત્કાલિક કામગીરી કેમ કરવામાં આવતી નથી? જો સમયસર લીકેજ બંધ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં પાણીનો બગાડ અટકાવી શકાય તેમ છે.

લીકેજ તાત્કાલિક બંધ કરવાની સ્થાનિકોની માંગ

સ્થાનિકોએ માંગ કરી છે કે મણિનગર વોર્ડનું પાણી ખાતું તાત્કાલિક સ્થળ પર પહોંચી પાઇપલાઇનનું લીકેજ બંધ કરાવે અને પાણીનો બગાડ અટકાવે. સાથે જ સંબંધિત પાઇપલાઇનની યોગ્ય તપાસ કરી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી કામગીરી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

આ પણ વાંચો : Women’s T20I: શ્રી ચરણીનો ઐતિહાસિક કારનામો! રાધા યાદવનો રેકોર્ડ તોડ્યો, માત્ર 29 મેચમાં 50 વિકેટ પૂર્ણ

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.