Surat Breaking: બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળનો સુરતમાં પડઘો, ઘોડદોડ રોડ પર કર્મચારીઓના સૂત્રોચ્ચાર



Surat Breaking
Surat Breaking: બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળનો સુરતમાં પડઘો, ઘોડદોડ રોડ પર કર્મચારીઓના સૂત્રોચ્ચાર



Surat Breaking
Surat Breaking: અઠવાડિયામાં પાંચ દિવસનું બેંકિંગ કામકાજ અમલમાં મૂકવાની સહિતની વિવિધ માંગણીઓને લઈને આજે દેશભરના બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતર્યા છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના આહ્વાન પર 11 સપ્ટેમ્બરે જાહેર કરાયેલી હડતાળની અસર સુરતમાં પણ જોવા મળી રહી છે.
ઘોડદોડ રોડ પર બેંક કર્મચારીઓના સૂત્રોચ્ચાર
સુરતના ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખા ખાતે બેંક કર્મચારીઓએ હડતાળમાં જોડાઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ખાસ કરીને અઠવાડિયામાં પાંચ દિવસનું બેંકિંગ કામકાજ જાહેર કરવાની માંગને લઈને કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
5 દિવસનું બેંકિંગ અને PLIમાં સુધારાની માંગ
બેંક યુનિયનોની મુખ્ય માંગોમાં અઠવાડિયામાં પાંચ દિવસ બેંકિંગ વ્યવસ્થા લાગુ કરવાની સાથે પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના અંગેની વિસંગતતાઓ દૂર કરવાનો મુદ્દો સામેલ છે. UFBUમાં AIBEA સહિતના સાત મુખ્ય બેંક કર્મચારી અને અધિકારી સંગઠનો સામેલ છે.
શુક્રવારથી સતત ત્રણ દિવસ બેંકિંગ કામગીરી પર અસર
11 સપ્ટેમ્બરની દેશવ્યાપી હડતાળ બાદ 12 સપ્ટેમ્બરે બીજો શનિવાર અને 13 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી ગુજરાતમાં બેંક શાખાઓનું નિયમિત કામકાજ સતત ત્રણ દિવસ પ્રભાવિત રહેશે. ગુજરાતમાં આશરે 5,400 બેંક શાખાઓ અને 75 હજાર જેટલા કર્મચારીઓ-અધિકારીઓ હડતાળથી પ્રભાવિત થવાની માહિતી સામે આવી છે.
ગુજરાતમાં ₹15 હજાર કરોડના વ્યવહારો પ્રભાવિત થવાની ભીતિ
હડતાળને કારણે રાજ્યભરમાં બેંક શાખાઓના કાઉન્ટર આધારિત વ્યવહારો અને અન્ય સેવાઓને અસર થવાની સંભાવના છે. અહેવાલો અનુસાર ગુજરાતમાં અંદાજે ₹15,000 કરોડના બેંકિંગ વ્યવહારો પ્રભાવિત થવાની શક્યતા છે. સુરતમાં પણ હજારો કરોડ રૂપિયાના વ્યવહારો પર અસર પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ડિજિટલ બેંકિંગ સેવાઓ ચાલુ રહેવાની શક્યતા
હડતાળ દરમિયાન શાખા આધારિત સેવાઓ જેમ કે કાઉન્ટર ટ્રાન્ઝેક્શન, ચેક ક્લિયરન્સ, KYC અને દસ્તાવેજ સંબંધિત કામગીરીમાં વિલંબ અથવા વિક્ષેપ થઈ શકે છે. જોકે ATM, UPI, મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની શક્યતા છે.




