Ahmedabad News: કુમકુમ મંદિરમાં 6×3 ફૂટના વિશાળ ચોપડા અને લેપટોપનું પૂજન, વિશ્વકલ્યાણ માટે કરાઈ પ્રાર્થના

Ahmedabad News: મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં દિવાળીના પાવન પર્વે પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Ahmedabad NewsAhmedabad News

Ahmedabad News

Ahmedabad News: મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં દિવાળીના પાવન પર્વે પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. અહીં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં વેપારીઓ દ્વારા પરંપરાગત લાલ ચોપડાનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ આધુનિક યુગને અનુરૂપ લેપટોપ, આઈપેડ અને વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલા 6×3 ફૂટના વિશાળ ચોપડાનું પણ પૂજન કરાયું હતું.

40 વર્ષથી વેપારીઓ માટે નિઃશુલ્ક ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવે છે

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, મંદિરમાં છેલ્લા 40 વર્ષથી વેપારીઓ માટે નિઃશુલ્ક ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવે છે. ચોપડો હોય કે લેપટોપ, બંને માત્ર હિસાબ રાખવાનું માધ્યમ છે, પરંતુ સાચી પૂજા તેમાં રહેલા ભાવ, ઈમાનદારી અને નીતિની છે. વેપાર ગમે તે માધ્યમથી કરવામાં આવે, વ્યવહારમાં પ્રામાણિકતા અને પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ.

ટેક્નોલોજીને ધર્મ અને સંસ્કારો સાથે જોડવાની અપીલ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તરફ આગળ વધી રહી છે, પરંતુ ટેક્નોલોજી કરતાં નીતિમત્તા વધુ મહત્ત્વની છે. વેપારીઓએ માત્ર નાણાકીય હિસાબનું જ નહીં, પરંતુ પર્યાવરણની બચત માટે ગ્રીન ઓડિટ અને પોતાની માનસિક શાંતિની બેલેન્સશીટનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ.

સાધુ પ્રેમવત્સલદાસજીએ ટેક્નોલોજીને ધર્મ અને સંસ્કારો સાથે જોડવાની અપીલ કરતાં જણાવ્યું કે, ટેક્નોલોજીનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે થવો જોઈએ. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી કે દેશમાંથી આર્થિક મંદી દૂર થાય, વેપારીઓને ધંધામાં સફળતા મળે, સૌ શારીરિક અને આર્થિક રીતે સુખી થાય તથા સમગ્ર વિશ્વ આતંકવાદથી મુક્ત બને. અંતમાં તેમણે દેશવાસીઓ અને મીડિયા મિત્રો ને નૂતન વર્ષ તથા દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: Diwali 2026: સરહદી કચ્છના ખાવડા ગામે સાંસદ વિનોદ ચાવડાએ કોળી સમાજ સાથે કરી દિવાળીની ઉજવણી