ચાંદખેડામાં કિંજલ રબારીના કથિત અપહરણનો મામલો, CCTVમાં સામે આવ્યું ચોંકાવનારું દૃશ્ય!



Kinjal Rabari Kidnapping Case
ચાંદખેડામાં કિંજલ રબારીના કથિત અપહરણનો મામલો, CCTVમાં સામે આવ્યું ચોંકાવનારું દૃશ્ય!



Kinjal Rabari Kidnapping Case
Kinjal Rabari Kidnapping Case: ચાંદખેડા વિસ્તારમાં જાણીતી ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણની ઘટનાને લઈને ચકચાર મચી છે. CBD મોલ નજીકથી કિંજલ રબારીને કાળા રંગની કારમાં લઈ જવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ ચાંદખેડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ઘટનાસ્થળના CCTV ફૂટેજની પ્રાથમિક તપાસમાં પોલીસને કંઈક અલગ જ દૃશ્ય જોવા મળ્યું હોવાનું સામે આવ્યું છે. ફૂટેજમાં કિંજલ રબારી કોઈ સ્પષ્ટ બળજબરી વગર કારમાં બેસતી દેખાતી હોવાના આધારે પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
પતિએ લગાવ્યો અપહરણનો આરોપ
મળતી માહિતી મુજબ, કિંજલ રબારીના થોડા સમય પહેલા લગ્ન થયા છે. લગ્ન બાદ બંને પરિવારો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ ચાલી રહ્યો હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન કિંજલના પતિએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક શખસોએ તેને પાછળથી પકડી રાખ્યો હતો અને તેની પત્નીને પોતાની સાથે લઈ ગયા હતા. આ દાવા બાદ પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી.
CCTV ફૂટેજથી તપાસમાં નવો વળાંક
પોલીસના જણાવ્યા મુજબ, CBD મોલમાંથી બહાર આવ્યા બાદ એક કાળી કાર ત્યાં પહોંચી હતી અને કિંજલ રબારી તેમાં બેસીને જતી જોવા મળે છે. પ્રાથમિક CCTV તપાસમાં કિંજલને કારમાં બેસાડતી વખતે કોઈ સ્પષ્ટ બળજબરી જોવા મળી નથી. જેના કારણે પોલીસ હાલ આ ઘટનાને લઈને પૂર્વઆયોજનની શક્યતા સહિત વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે.
મહેસાણા તરફના શખસોની ઓળખની તપાસ
પોલીસના જણાવ્યા પ્રમાણે કાળી કાર લઈને આવેલા શખસો મહેસાણા તરફના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસ CCTV ફૂટેજ અને અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે તેમની ઓળખ કરવાની પ્રક્રિયામાં છે. હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની તથા CCTV ફૂટેજ સહિતના પુરાવાઓની તપાસની કાર્યવાહી ચાલી રહી છે.
પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે
ચાંદખેડા પોલીસ આ સમગ્ર ઘટનામાં કિંજલ રબારી, તેના પતિ અને અન્ય સંબંધિત વ્યક્તિઓના નિવેદનો તેમજ CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. હાલ કિંજલ રબારીનું ખરેખર અપહરણ થયું હતું કે તે પોતાની ઇચ્છાથી કારમાં ગઈ હતી, તે અંગે પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. પોલીસ દ્વારા તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



