અમદાવાદની કમર મોહસિન શેખે PM મોદીને મોકલી રાખડી, પત્રમાં લખ્યું- ‘તમે 140 કરોડ ભારતીયોના દિલની આવાજ છો’



Kamar Mohsin Sheikh Rakhi to PM Modi
અમદાવાદની કમર મોહસિન શેખે PM મોદીને મોકલી રાખડી, પત્રમાં લખ્યું- ‘તમે 140 કરોડ ભારતીયોના દિલની આવાજ છો’



Kamar Mohsin Sheikh Rakhi to PM Modi
Kamar Mohsin Sheikh Rakhi to PM Modi: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદમાં રહેતી પાકિસ્તાની મૂળની મુસ્લિમ મહિલા કમર મોહસિન શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી અને લાગણીસભર પત્ર મોકલ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે વડાપ્રધાન મોદી પ્રત્યે ભાઈ-બહેનના સ્નેહની લાગણી વ્યક્ત કરી છે.

‘તમારી લાંબી ઉંમર માટે અલ્લાહને દુઆ કરું છું’
વડાપ્રધાન મોદીને મોકલેલા પત્રમાં કમર મોહસિન શેખે લખ્યું છે કે, “આ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર હું અલ્લાહને દુઆ કરું છું કે તમારી તંદુરસ્તીની સાથે સાથે લાંબી ઉંમર રહે.” તેમણે વડાપ્રધાન મોદીને દેશના ‘ચોકીદાર’ અને દિગ્ગજ નેતા ગણાવતા દેશના ભવિષ્ય માટે પણ શુભકામનાઓ પાઠવી છે.

‘દેશ વિશ્વમાં નામ રોશન કરે’
પત્રમાં કમર મોહસિન શેખે વધુમાં લખ્યું છે કે, “તમે રાષ્ટ્રના ચોકીદારની સાથે સાથે દિગ્ગજ નેતા પણ છો. આવનારા સમયમાં આપણો દેશ તમારા હાથોમાં અડગ શ્રદ્ધાની સાથે સાથે દરેક ક્ષેત્રમાં કુશળતા હાંસિલ કરે અને વિશ્વમાં આપણા દેશનું નામ રોશન થાય.” તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા લખ્યું કે, “તમે 140 કરોડ ભારતીયોના દિલની આવાજ છો.”

આ વખતે રૂબરૂ રાખડી નહીં બાંધી શકે
કમર મોહસિન શેખે પત્રમાં જણાવ્યું છે કે આ વખતે તેઓ વડાપ્રધાન મોદીને રૂબરૂ રાખડી બાંધી શકશે નહીં. હાલ તેઓ કેનેડામાં હોવાથી તેમણે રાખડી અને પત્ર મોકલીને રક્ષાબંધનની લાગણી વ્યક્ત કરી છે. તેમના આ પત્રમાં વડાપ્રધાન મોદી પ્રત્યેનો સ્નેહ, આદર અને દેશ માટેની શુભેચ્છા વ્યક્ત થાય છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે મોકવવામાં આવેલી આ રાખડી અને પત્રે ફરી એકવાર ભાઈ-બહેનના સંબંધની લાગણીને રાજકીય અને ધાર્મિક સીમાઓથી ઉપર દર્શાવવાનો સંદેશ આપ્યો છે.

ધર્મથી ઉપર ભાઈ-બહેનના સંબંધની મિસાલ
કમર મોહસિન શેખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો આ સંબંધ દેશની સામાજિક વિવિધતા અને ભાઈચારાનું એક અનોખું ઉદાહરણ માનવામાં આવે છે. એક મુસ્લિમ મહિલા દ્વારા હિન્દુ વડાપ્રધાનને વર્ષોથી રાખડી મોકલવાની પરંપરા રક્ષાબંધનના પર્વને વધુ ભાવનાત્મક બનાવે છે. કમર શેખ દ્વારા મોકલવામાં આવેલા આ પત્ર અને રાખડીનો સંદેશ પણ સ્પષ્ટ છે કે લોહીનો સંબંધ ન હોવા છતાં લાગણી, વિશ્વાસ અને સ્નેહથી બંધાયેલો ભાઈ-બહેનનો સંબંધ ખૂબ જ ખાસ હોઈ શકે છે.
પીએમ મોદીને ભાઈ માનીને આપે છે શુભકામના
કમર મોહસિન શેખનો વડાપ્રધાન મોદી સાથેનો આ સંબંધ માત્ર રાખડી પૂરતો મર્યાદિત નથી. તેઓ અનેક વર્ષોથી રક્ષાબંધનના દિવસે પીએમ મોદીના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે શુભેચ્છા પાઠવે છે. અગાઉના વર્ષોમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી તેમણે પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ દેશના વડાપ્રધાન બને તેવી પણ શુભેચ્છા વ્યક્ત કરી હતી.
30 વર્ષથી વધુ સમયથી જળવાઈ છે આ ખાસ સંબંધ
કમર મોહસિન શેખ મૂળ પાકિસ્તાનના કરાચીની છે અને લગ્ન બાદ અમદાવાદમાં સ્થાયી થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, વડાપ્રધાન મોદી સાથે તેમની ઓળખાણ તેમના રાજકીય જીવનના શરૂઆતના સમયથી થઈ હતી. એક મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ તેમને ‘બહેન’ કહીને સંબોધ્યા બાદ આ સંબંધ વધુ ગાઢ બન્યો હતો. ત્યારથી કમર શેખ દર વર્ષે રક્ષાબંધન પર તેમને રાખડી મોકલતી અથવા બાંધતી આવી છે. કમર શેખે અગાઉ જણાવ્યું હતું કે તેઓ બજારમાંથી રાખડી ખરીદવાને બદલે પોતાના હાથથી રાખડી તૈયાર કરે છે અને તેમાંથી પસંદ કરેલી રાખડી વડાપ્રધાન માટે રાખે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]



