અમદાવાદમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય પેરા તીરંદાજીનો મહાકુંભ, 20 દેશોના 100થી વધુ ખેલાડીઓ લેશે ભાગ


Hyundai World Archery Para Series 2026 Ahmedabad
અમદાવાદમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય પેરા તીરંદાજીનો મહાકુંભ, 20 દેશોના 100થી વધુ ખેલાડીઓ લેશે ભાગ


Hyundai World Archery Para Series 2026 Ahmedabad
Hyundai World Archery Para Series 2026 Ahmedabad: ગુજરાત માટે ગૌરવની ક્ષણ આવી રહી છે. ભારતમાં પહેલીવાર યોજાનારી હ્યુન્ડાઇ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ (WAPS) 2026ની યજમાની અમદાવાદ કરશે. 5થી 9 સપ્ટેમ્બર, 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 20 દેશોના 100થી વધુ પેરા તીરંદાજો ભાગ લેશે. આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી આ ઐતિહાસિક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

4 સપ્ટેમ્બરે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ
સ્પર્ધાનું સત્તાવાર ઉદ્ઘાટન 4 સપ્ટેમ્બર, 2026ના રોજ ધ ફોરમ–હોટેલ એન્ડ કન્વેન્શન ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહેવાના છે.

4 કેટેગરીમાં થશે ટક્કર
વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં વિશ્વના અગ્રણી પેરા તીરંદાજો વિવિધ કેટેગરીમાં મેદાનમાં ઉતરશે. તેમાં રિકર્વ ઓપન, કમ્પાઉન્ડ ઓપન, W1 અને વિઝ્યુઅલી ઇમ્પેર્ડ કેટેગરીનો સમાવેશ થાય છે.

20 દેશોના ખેલાડીઓ અમદાવાદ પહોંચશે
આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારત ઉપરાંત ચીન, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇન્ડોનેશિયા, ઈરાન, કઝાકિસ્તાન, મેક્સિકો, સ્લોવાકિયા, અમેરિકા, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, સાયપ્રસ, ચેકિયા, ઇરાક, રશિયા અને શ્રીલંકા સહિતના દેશોના ખેલાડીઓ ભાગ લેશે.

ભારતના સ્ટાર પેરા તીરંદાજો પણ મેદાનમાં
ભારત તરફથી પેરિસ 2024 પેરાલિમ્પિક ચેમ્પિયન હરવિંદર સિંહ, વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયન અને પેરાલિમ્પિક મેડલ વિજેતા શીતલ દેવી, અર્જુન એવોર્ડી તથા વર્લ્ડ પેરા આર્ચરી મેડલ વિજેતા રાકેશ કુમાર અને પેરાલિમ્પિયન શ્યામ સુંદર સ્વામી જેવા ખેલાડીઓ પર ખાસ નજર રહેશે.
“દરેક તીર હિંમતની વાર્તા કહેશે”
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે “દરેક તીર હિંમતની વાર્તા કહે છે” થીમ સાથે યોજાનારો આ કાર્યક્રમ પેરા ખેલાડીઓની દૃઢતા, સંકલ્પ અને રમતગમતની શ્રેષ્ઠતાની ઉજવણી કરશે. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થવાથી ગુજરાતની ઓળખ આંતરરાષ્ટ્રીય રમતગમતના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનશે.
ગુજરાત બની રહ્યું છે આંતરરાષ્ટ્રીય રમતગમતનું હબ
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમત ઈવેન્ટ્સ માટેનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. અમદાવાદમાં વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝનું આયોજન માત્ર રાજ્ય માટે ગૌરવની બાબત નથી, પરંતુ પેરા રમતગમતને વૈશ્વિક મંચ આપવાની દિશામાં પણ મહત્વપૂર્ણ પગલું છે.
ભારતના પેરા આર્ચરી માટે મોટું માઈલસ્ટોન
આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પણ આ ઈવેન્ટને ભારતના પેરા આર્ચરી ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન ગણાવ્યો છે. વિશ્વના શ્રેષ્ઠ પેરા તીરંદાજોને ભારતમાં એક જ સ્થળે લાવવાથી ભારતીય ખેલાડીઓને ઉચ્ચ સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો અનુભવ મળશે. સાથે જ નવી પેઢીના ખેલાડીઓને પ્રેરણા મળવાની અને પેરા આર્ચરીને વધુ લોકપ્રિયતા મળવાની અપેક્ષા છે.
2027માં પણ મોટા આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ
ભારત આંતરરાષ્ટ્રીય તીરંદાજી ક્ષેત્રે પોતાની ભૂમિકા વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. 2027માં એશિયા કપ આર્ચરી ટુર્નામેન્ટ સહિતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની યજમાનીની તૈયારીઓ વચ્ચે અમદાવાદમાં યોજાનારી આ સિરીઝને મહત્વપૂર્ણ કડી માનવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર વિશ્વના પેરા તીરંદાજો એકસાથે નિશાન સાધશે ત્યારે અમદાવાદ માત્ર રમતનું મેદાન નહીં, પરંતુ સાહસ, સંકલ્પ અને સમાવેશી રમતગમતનો વૈશ્વિક મંચ બનશે.




