Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ચેન્નાઈથી 48 કલાકમાં બે આરોપી ઝડપાયા

Gujarat High Court Bomb Threat: ગુજરાત હાઈકોર્ટ અને સુરત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ અને સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ટેક્નિકલ...
R Gajjar
R GajjarUpdated on: 07 Sep 2026 07:00 PM IST
ગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ચેન્નાઈથી 48 કલાકમાં બે આરોપી ઝડપાયાગુજરાત હાઈકોર્ટ અને સુરત કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, ચેન્નાઈથી 48 કલાકમાં બે આરોપી ઝડપાયા

Gujarat High Court Bomb Threat

Gujarat High Court Bomb Threat: ગુજરાત હાઈકોર્ટ અને સુરત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ અને સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે માત્ર 48 કલાકમાં ચેન્નાઈથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

હાઈકોર્ટને મોકલ્યા ધમકીભર્યા ઈ-મેઇલ

પોલીસના જણાવ્યા મુજબ, 5 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 11:57 અને 11:59 વાગ્યે એક અજાણ્યા ઈ-મેઇલ આઈડી પરથી ગુજરાત હાઈકોર્ટના ઈ-મેઇલ આઈડી પર ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા હતા. ઈ-મેઇલમાં અમદાવાદ અને સુરત કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ કૃત્યથી લોકોમાં ભય અને ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો અને IT Actની કલમ 66(C) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર હતો મુખ્ય આરોપી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી મહમ્મદ અસફાક અગાઉ સુરતના DCB પોલીસ સ્ટેશનમાં NDPS Act હેઠળના ગુનામાં જેલમાં હતો. પેરોલ પર બહાર આવ્યા બાદ તેને જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે પરત ન ફર્યો અને આશરે નવ મહિનાથી ફરાર હતો. આ દરમિયાન તે અલગ-અલગ સ્થળોએ પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો.

જેલમાં સાથે હતા, ચેન્નાઈમાં મળીને રચ્યું કાવતરું

તપાસ મુજબ મહમ્મદ અસફાક અને તેનો સાથી રાજેશ ઉર્ફે રાજ અગાઉ લાજપોર જેલમાં સાથે હતા અને સંપર્કમાં હતા. ત્યારબાદ બંને ગાંજાના સપ્લાયરને શોધવા ચેન્નાઈ ગયા હતા. ચેન્નાઈમાં પોલીસથી પોતાની ઓળખ અને લોકેશન છુપાવવા બંનેએ કથિત રીતે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. અસફાકે મુંબઈથી ચેન્નાઈ જતી ટ્રેન દરમિયાન નવું ઈ-મેઇલ આઈડી બનાવ્યું હતું. ચેન્નાઈ પહોંચ્યા બાદ બંને અલગ-અલગ હોટલમાં રોકાતા અને વારંવાર હોટલ બદલતા હતા. ત્યારબાદ અસફાકે મોબાઈલ ફોન મારફતે ધમકીભર્યો ઈ-મેઇલ મોકલ્યો હતો.

કોર્ટમાં હાજરીથી બચવા ધમકી આપ્યાનો પોલીસનો દાવો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 5 સપ્ટેમ્બરે મુખ્ય આરોપી મહમ્મદ અસફાકની સુરત સેશન્સ કોર્ટમાં ટ્રાયલ હિયરિંગ હતી, પરંતુ તે કોર્ટમાં હાજર થયો ન હતો. પોલીસના જણાવ્યા મુજબ, કોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા ન હોવાથી અને ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ધમકીભર્યો ઈ-મેઇલ મોકલવામાં આવ્યો હતો.

ટેક્નિકલ રીતે ઓળખ છુપાવવાનો પ્રયાસ

આરોપીઓએ પોતાની ઓળખ અને લોકેશન છુપાવવા માટે અલગ-અલગ ઈ-મેઇલ આઈડી, અન્ય લોકોના નામે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને સિમકાર્ડ, વિવિધ Wi-Fi નેટવર્ક તથા પ્રોક્સી જેવા ટેક્નિકલ માધ્યમોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઈ-મેઇલ મોકલી ચોક્કસ લોકેશન ટ્રેસ કરવું મુશ્કેલ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સાયબર ક્રાઈમે 48 કલાકમાં આરોપીઓને શોધી કાઢ્યા

આરોપીઓએ ડિજિટલ ટ્રેલ છુપાવવા અનેક પ્રયાસો કર્યા હોવા છતાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઈ-મેઇલ સંબંધિત ટેક્નિકલ ડેટા, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી. અંતે બંને આરોપીઓને ચેન્નાઈમાંથી માત્ર 48 કલાકમાં ઝડપી પાડવામાં સફળતા મળી.

આરોપીઓ કોણ?

પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી મહમ્મદ અસફાકની ઉંમર 28 વર્ષ છે, જ્યારે તેનો સાથી રાજેશ ઉર્ફે રાજની ઉંમર 33 વર્ષ હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે. બંનેનું શિક્ષણ ધોરણ 12 સુધીનું હોવાનું નોંધાયું છે.

બંને આરોપીઓનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ

પ્રેસનોટ મુજબ મુખ્ય આરોપી મહમ્મદ અસફાક સામે અગાઉ NDPS Act હેઠળનો કેસ નોંધાયો હતો, જેમાં 512 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે રાજેશ ઉર્ફે રાજ સામે પણ NDPS Act હેઠળનો કેસ નોંધાયો હતો, જેમાં 100.260 ગ્રામ મેફેડ્રોન જપ્ત થયાનું જણાવાયું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]