અફવા ફેલાવવા બદલ પવન ત્યાગી સામે ફરિયાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો ગુનો


Gujarat CM Fake Post
અફવા ફેલાવવા બદલ પવન ત્યાગી સામે ફરિયાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યો ગુનો


Gujarat CM Fake Post
Gujarat CM Fake Post: સોશિયલ મીડિયા પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અંગે ખોટી અને ભ્રામક માહિતી પોસ્ટ કરવાના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પવન ત્યાગી સામે ફરિયાદ નોંધી છે. પવન ત્યાગી મીડિયા સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.

હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવવાની પોસ્ટ
મળતી માહિતી મુજબ, પવન ત્યાગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ બનાવવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ પોસ્ટને પોલીસ દ્વારા ખોટી અને ભ્રામક માહિતી તરીકે ગણાવવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી
સોશિયલ મીડિયા પર આ પ્રકારની ખોટી માહિતી ફેલાવી લોકોમાં ભ્રમ અને ગેરસમજ ઊભી થતી હોવાના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મામલાની તપાસ હાથ ધરી છે. તપાસના ભાગરૂપે પવન ત્યાગી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની પ્રેસનોટ મુજબ, આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 353(2), 356(2) તેમજ IT Actની કલમ 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર ખોટી માહિતી બદલ કાર્યવાહી
પોલીસે આ મામલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી, અફવા અથવા ભ્રામક પોસ્ટ દ્વારા જાહેર જનતામાં ભય કે ગેરસમજ ફેલાવનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોસ્ટના ઉદ્દેશ્ય તેમજ તેની પાછળના અન્ય પાસાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પવન ત્યાગી મીડિયા સાથે જોડાયેલા
પવન ત્યાગી મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે. મીડિયા સાથે જોડાયેલી વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી આવી પોસ્ટને કારણે મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર કોઈપણ રાજકીય અથવા જાહેર મહત્વની માહિતી શેર કરતા પહેલાં તેની સત્યતા ચકાસવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.




