Gujarat Janmashtami Celebration: ગુજરાતમાં કૃષ્ણમય માહોલ: દ્વારકાથી અમદાવાદ સુધી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી


Gujarat Janmashtami Celebration
Gujarat Janmashtami Celebration: ગુજરાતમાં કૃષ્ણમય માહોલ: દ્વારકાથી અમદાવાદ સુધી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી


Gujarat Janmashtami Celebration
Gujarat Janmashtami Celebration: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીને લઈને સમગ્ર ગુજરાતમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના વિવિધ શહેરો અને યાત્રાધામોમાં મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, શોભાયાત્રા, મટકી ફોડ, ભજન-કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દ્વારકા, ડાકોર, શામળાજી, સોમનાથ, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
રાજકોટમાં શોભાયાત્રા અને મટકી ફોડનો ઉત્સાહ
રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે વિવિધ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઇન્દિરા સર્કલ નજીક કનૈયા સોશિયલ ગ્રુપ દ્વારા પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા બે દાયકાથી ચાલી આવતી આ પરંપરામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા પૂર્વે મવડી ચોકડી ખાતે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી. અંદાજે 22 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ, મહિલાઓનું શૌર્ય પ્રદર્શન અને અમરનાથ શિવલિંગની પ્રતિકૃતિ વિશેષ આકર્ષણ બની હતી. જન્માષ્ટમીના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન 700થી વધુ પોલીસકર્મીઓની તૈનાતી સાથે CCTV અને વીડિયોગ્રાફીથી સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવી હતી.
અમદાવાદમાં ડ્રોન શોથી કૃષ્ણલીલાની ઝાંખી
અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણીમાં ધાર્મિક આસ્થા સાથે ટેક્નોલોજીનો પણ સંગમ જોવા મળ્યો હતો. આકાશમાં 300 ડ્રોનની મદદથી શ્રીકૃષ્ણની વિવિધ લીલાઓની આકર્ષક ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સાત મિનિટના લાઇટ એન્ડ સાઉન્ડ શોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મંદિરના ગર્ભગૃહને મોટી સંખ્યામાં ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ભાડજ હરેકૃષ્ણ મંદિરમાં પણ અભિષેક, હિંડોળા સેવા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
વડોદરા અને સુરતમાં મંદિરોમાં ભક્તોની ભીડ
વડોદરાના ગોત્રી ઈસ્કોન મંદિર સહિત શહેરના વિવિધ કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું અને ભગવાન શ્રીકૃષ્ણને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરતમાં પણ જન્માષ્ટમીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સહિત વિવિધ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મધરાતે શ્રીકૃષ્ણના પ્રાગટ્ય સમયે વિશેષ આરતી અને વધામણાં કરવામાં આવ્યા હતા.
ડાકોરમાં રણછોડરાયના દર્શન માટે ભક્તો ઉમટ્યા
ખેડા જિલ્લાના ડાકોરમાં રાજા રણછોડરાયના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. મંદિર પરિસર ‘જય રણછોડ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય સહિતના મહાનુભાવોએ પણ રણછોડરાયના દર્શન કરી જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ગોમતી ઘાટ ખાતે ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાકોરના વિકાસ માટે આગામી સમયમાં રૂ.125 કરોડના ખર્ચે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
શામળાજીમાં ધજા, ભજન અને ભક્તિનો સંગમ
અરવલ્લીના શામળાજી ધામમાં પણ જન્માષ્ટમીની ભારે ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. ભગવાન શામળિયાની મંગળા આરતી બાદ જળાભિષેક કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન-કીર્તન રજૂ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિવિધ ગામોમાંથી ભક્તો પદયાત્રા કરીને શામળાજી પહોંચ્યા હતા અને ભગવાનને ધજા અર્પણ કરી હતી. મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને મટકી ફોડ કાર્યક્રમને લઈને પણ યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
સોમનાથના ભાલકા તીર્થમાં વિશેષ ઉજવણી
સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ભાલકા તીર્થ ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારથી રાત સુધી પૂજા, અભિષેક અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીની મધરાતે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય સમયે ભક્તિમય વાતાવરણ વચ્ચે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દૂરના વિસ્તારોમાં રહેતા ભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
પાલીતાણામાં ભવ્ય શોભાયાત્રા
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા વિશાળ જન્માષ્ટમી શોભાયાત્રા યોજાઈ હતી. સંતો-મહંતો તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રામાં 40થી વધુ ફ્લોટ્સ, અખાડાના કરતબો અને રાસ મંડળીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન સામાજિક સમરસતા અને ભાઈચારાની ઝલક પણ જોવા મળી હતી.
નવસારીમાં 62 વર્ષ જૂની પરંપરા જળવાઈ
નવસારીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સતત 62મા વર્ષે જન્માષ્ટમી અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 21 સ્થળોએ મટકીઓ બાંધવામાં આવી હતી અને ગોવિંદા મંડળીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમો યોજાયા હતા.
ભુજમાં માનવ પિરામિડ બનાવી મટકી ફોડી
કચ્છના ભુજમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના તાલ વચ્ચે કાર્યકરોએ માનવ પિરામિડ રચીને મટકી ફોડી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ભક્તો જોડાયા હતા.
દાહોદ સબજેલમાં કેદીઓએ પણ ઉજવી જન્માષ્ટમી
દાહોદ સબજેલમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેલ પરિસરમાં પૂજા અને આરતી બાદ કેદીઓ માટે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. કેદીઓને અલગ-અલગ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા અને આંખે પાટા બાંધી મટકી ફોડવાની સ્પર્ધા યોજાઈ હતી. જેલના વાતાવરણમાં પણ આ ઉજવણીને કારણે કેદીઓમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
ડભોડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા રણછોડજીના દર્શન
ગાંધીનગરના ડભોડા ખાતે આવેલા પ્રસિદ્ધ રણછોડજી મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવાર સાથે ભગવાનના દર્શન કરી પૂજા-અર્ચના અને આરતીમાં ભાગ લીધો હતો. રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિશેષ આરતી યોજાઈ હતી. આ સમગ્ર ઉજવણી દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તોની મોટી હાજરી જોવા મળી હતી. મંદિરો, શોભાયાત્રાઓ અને મટકી ફોડના કાર્યક્રમોથી રાજ્યભરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કૃષ્ણમય બની રહ્યો હતો.




