ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયના આંગણે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી, ગોમતી ઘાટ પર ભજન ડાયરાથી ભક્તિમય માહોલ


Dakor Janmashtami Celebration
ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયના આંગણે ભવ્ય જન્માષ્ટમી ઉજવણી, ગોમતી ઘાટ પર ભજન ડાયરાથી ભક્તિમય માહોલ


Dakor Janmashtami Celebration
Dakor Janmashtami Celebration: ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પાવન પ્રસંગે મહેસૂલ અને પંચાયત વિભાગના રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને યોગેન્દ્રસિંહ પરમાર સહિતના મહાનુભાવોએ ડાકોરના ઠાકોરજીના દર્શન કરી જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મહાનુભાવોએ ખેડા સહિત સમગ્ર રાજ્યવાસીઓને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી.
દર્શન બાદ ગોમતી ઘાટ ખાતે ભવ્ય ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વંદે માતરમ્ ગાન સાથે ભજન ડાયરાનો પ્રારંભ કરાવ્યો હતો. ભજન-કીર્તનથી ગોમતી ઘાટ પર ભક્તિમય માહોલ સર્જાયો હતો.
ડાકોરના વિકાસ માટે રૂ.125 કરોડની જાહેરાત
આ પ્રસંગે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ડાકોરના વિકાસને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં રૂ.125 કરોડના ખર્ચે ડાકોર શહેરને વિવિધ માળખાકીય સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જન્માષ્ટમી નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાકોર મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમણે ભગવાન શ્રીકૃષ્ણના જીવનમાંથી બોધ અને પ્રેરણા લેવાની જરૂરિયાત જણાવી હતી. સાથે જ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થાય તે માટે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
કાર્યક્રમમાં ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને અર્જુનસિંહ ચૌહાણે પ્રસંગોચિત પ્રવચન કરી જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી. પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ અને વિજયદાસજી મહંતે આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડાકોર નગરપાલિકાના પ્રમુખ વિપુલભાઈ શાહ સહિત સાધુ-સંતો, દાતાશ્રીઓ, રાજકીય-સામાજિક અગ્રણીઓ, કૃષ્ણ ભક્તો અને ડાકોરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




