Dahodમાં ‘સરસ મેળા-2026’નો ભવ્ય પ્રારંભ, મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનો બનશે મુખ્ય આકર્ષણ



Dahod Saras Mela 2026
Dahodમાં ‘સરસ મેળા-2026’નો ભવ્ય પ્રારંભ, મહિલા ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનો બનશે મુખ્ય આકર્ષણ



Dahod Saras Mela 2026
Dahod Saras Mela 2026: મહિલા સશક્તિકરણ અને ‘વોકલ ફોર લોકલ’ના જીવંત સંગમ સમા ‘સરસ મેળા-2026’નો દાહોદ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. કેશવ માધવ રંગમંચ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના મેળાનું વિધિવત ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, સરસ મેળો માત્ર સ્થાનિક ચીજવસ્તુઓના વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ નારીશક્તિના સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પની જીવંત પ્રતીતિ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરીયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા સહિત DRDAના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સખીમંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.
30 સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો
26 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન દરરોજ સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી સરસ મેળો જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. મેળામાં મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, સ્વસહાય જૂથો, મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિવિધ ઉત્પાદનો તથા નવીનતાઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.
હેન્ડીક્રાફ્ટથી લઈને હોમમેઇડ ફૂડ સુધીની વિવિધ વસ્તુઓ
સરસ મેળામાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા બાંધણી, વાંસની બનાવટો, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ઇમિટેશન જ્વેલરી, આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક વસ્તુઓ, અગરબત્તી, પેચવર્ક, ડ્રેસ મટીરિયલ અને ઘર સજાવટની વસ્તુઓ મુખ્ય આકર્ષણ બની છે. આ ઉપરાંત અથાણાં, પાપડ, ખાખરા સહિતની વિવિધ હોમમેઇડ ફૂડ પ્રોડક્ટ્સ પણ મેળામાં ઉપલબ્ધ છે.
મહિલાઓના આર્થિક સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદનો અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપતા આ મેળાથી દાહોદ જિલ્લામાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પોતાના ઉત્પાદનો માટે બજાર મળી રહેવાની સાથે સ્થાનિક વ્યવસાયને પણ વેગ મળવાની આશા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદની જનતાને સરસ મેળાની મુલાકાત લઈ મહિલા શક્તિના કૌશલ્યને બિરદાવવા અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





