Police Panchat : માધુપુરાની ખોળંગાતી વ્યવસ્થા વચ્ચે વહિવટ પણ ‘લંગડા’ પાસે? K કંપનીની ઓર્ડર પાછા અટકી ગયા?



Police Panchat
Police Panchat : માધુપુરાની ખોળંગાતી વ્યવસ્થા વચ્ચે વહિવટ પણ ‘લંગડા’ પાસે? K કંપનીની ઓર્ડર પાછા અટકી ગયા?



Police Panchat
પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.
માધુપુરામાં વહિવટની કમાન ખાનગી માણસ ભરત લંગડાને સોંપાઈ?
અમદાવાદના જાણીતા મસાલા માર્કેટ વિસ્તારમાં આવેલું માધુપુરા પોલીસ સ્ટેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના વહીવટને લઈને સૂત્રોના હવાલાથી એક ચર્ચા સામે આવી રહી છે કે પોલીસ સ્ટેશનમાં ‘વહિવટ’ની જવાબદારી એક ખાનગી વ્યક્તિને સોંપવામાં આવી હોવાની વાત છે. આ ચર્ચામાં ભરત લંગડા નામ પણ સામે આવી રહ્યું છે. નવા વહિવટદાર તરીકે ખાનગી વ્યક્તિની ભૂમિકા અંગે ચર્ચા થતાં પોલીસ વિભાગમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સામાન્ય રીતે પોલીસ સ્ટેશનનો વહીવટી અને કાયદો-વ્યવસ્થાનો કારભાર જે તે પોલીસ અને કર્મચારીઓ સંભાળતા હોય છે આવી સ્થિતિમાં જો કોઈ ખાનગી વ્યક્તિને અનૌપચારિક રીતે પોલીસ સ્ટેશનના વહીવટમાં ભૂમિકા આપવામાં આવી હોવાનો દાવો થાય, તો તેની સત્તાવાર સ્થિતિ અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે. આ સમગ્ર મામલે વધુ એક સવાલ એ છે કે, PIના ચાલુ કાર્યકાળ દરમિયાન જો વહિવટની જવાબદારી અન્ય વ્યક્તિને સોંપવામાં આવી હોવાની ચર્ચા છે, તો તેની પાછળનું કારણ શું?
ગણેશ ઉત્સવમાં ભક્તિ સાથે સુરક્ષાનો સંગમ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ગણેશ મંડળો ખાતે ‘SHE Team’ દ્વારા મહિલાઓ, બાળકો અને સિનિયર સિટિઝન્સની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન ભીડ વચ્ચે લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ વધારવાનો છે. ગણેશ મંડળોમાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વડીલો ભીડનો ભાગ બને છે. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને SHE Team દ્વારા વિવિધ સ્થળોએ લોકો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે.
અભિયાન દરમિયાન મહિલાઓ અને બાળકોની સુરક્ષા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે. ભીડભાડવાળા સ્થળોએ સાવચેતી રાખવી, બાળકો સાથે આવેલા વાલીઓએ બાળકો પર નજર રાખવી અને કોઈપણ અસુવિધા કે સમસ્યા જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જેવા સુરક્ષા સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે. સિનિયર સિટિઝન્સની સુરક્ષા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તહેવાર દરમિયાન ભીડમાં વડીલોને કોઈ મુશ્કેલી ન પડે અને જરૂરિયાતના સમયે પોલીસની મદદ મેળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
K કંપનીના કર્મચારીઓના ઓર્ડર કેમ અટકી ગયા?
K કંપનીના કર્મચારીઓના બદલીના ઓર્ડરને લઈને હાલ પોલીસ વિભાગમાં ચર્ચા જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં અગાઉની વહીવટી વ્યવસ્થાથી લઈને હાલની વ્યવસ્થા સુધી અનેક પોલીસકર્મીઓ K કંપનીમાં લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. આ પૈકી કેટલાક કર્મચારીઓ ત્રણ વર્ષથી પણ વધુ સમયથી એક જ કંપનીમાં ફરજ બજાવી રહ્યા હોવાની ચર્ચા છે. નવા ઉચ્ચ અધિકારીએ અમદાવાદ શહેરની કમાન સંભાળ્યા બાદ લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસકર્મીઓમાં હવે બદલીની આશા જાગી હતી. ઘણા કર્મચારીઓ એવી અપેક્ષા રાખી રહ્યા હતા કે નવી વહીવટી વ્યવસ્થામાં K કંપનીમાંથી પણ ફેરબદલ કરવામાં આવશે અને તેમને અન્ય જગ્યાએ ફરજ સોંપવામાં આવશે.
જોકે, અત્યાર સુધી K કંપનીમાંથી એકસાથે કોઈ મોટી બદલી થઈ નથી. જેના કારણે લાંબા સમયથી અહીં ફરજ બજાવતા કર્મચારીઓમાં બદલીના ઓર્ડરને લઈને ચર્ચા વધી છે. ખાસ કરીને ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી K કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓની નજર હવે આગામી વહીવટી નિર્ણય પર છે. પોલીસ વિભાગમાં ચોક્કસ સમયગાળા બાદ કર્મચારીઓની ફરજ અને પોસ્ટિંગમાં ફેરફાર થતો રહે છે. આવા ફેરફારો પાછળ વહીવટી જરૂરિયાત, સ્ટાફની ઉપલબ્ધતા, કામગીરીની જરૂરિયાત અને વિભાગીય નિર્ણય જેવા વિવિધ પરિબળો હોઈ શકે છે.
વતનમાં બદલી કરવા માટે અરજી કરાઈ પણ હજી પોસ્ટિંગ બાકી!
ગુજરાત પોલીસમાં લાગી તો ગયા ઘણા પણ વતનથી દૂર ઘણા વર્ષો સુધી નોકરી કરી ત્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ઘણા પોલીસ કોન્સ્ટેબલ તેમજ હેડ કોન્સ્ટેબલોએ તેમના વતનમાં પોસ્ટિંગ મળે તે માટે ઉચ્ચ વડાની કચેરીએ અરજીઓ કરી છે પણ કોઈ કારણોસર આ અરજીઓ પેન્ડિંગ હોવાની વાત સૂત્રો તરફથી મળી છે. હાલમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતી ઘણી પોલીસે તેમના વતનમાં નોકરીનું પોસ્ટિંગ થાય તે માટે અરજી કરી છે પણ આ અરજીનો લાંબા સમયથી કોઈ નિકાલ આવ્યો નથી અને ના તો આ અરજી પર કોઈની બદલી લાંબા સમયથી થઈ હોય. ત્યારે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને તેમના વતનમાં હવે પોસ્ટિંગ મળે તે માટે કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.
અમદાવાદના પ્રખ્યાત ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’
અમદાવાદના આર.ટી.ઓ. સર્કલ ખાતે સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંચાલિત અતિ લોકપ્રિય ‘જેલ ભજિયા હાઉસ’નો કાયાકલ્પ થઈ ગયો છે. ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ તરફ જતા માર્ગ પર સ્થિત આ ઐતિહાસિક ફૂડ આઉટલેટને અઢી કરોડથી વધુના ખર્ચે ત્રણ માળનું નવું ભવન બનાવી નયનરમ્ય ‘હેરિટેજ લૂક’ આપવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્યના જેલ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થવાના આરે છે. આ નવપ્રકલ્પનો મુખ્ય હેતુ કેદીઓમાં રહેલા કૌશલ્યને પ્રોત્સાહન આપી સમાજમાં તેમના સુધારણા અને પુનર્વસન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો છે.
જેલ ભજીયા હાઉસના આ ત્રણ માળના અદ્યતન ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પરંપરાગત સ્વાદિષ્ટ ભજિયા અને અન્ય ફરસાણના વેચાણ માટે કાઉન્ટર/સેલરૂમ બનશે તેમજ મુલાકાતીઓ ગરમા-ગરમ ભજિયાનો આનંદ માણી શકે તે માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ભવનના પ્રથમ માળે ડાઇનિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં જેલના કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિશેષ ‘ગાંધી થાળી’ સાત્વિક ભોજન પીરસવામાં આવશે, જે મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહેશે. ભવનના બીજા માળે સ્વાતંત્ર્ય સેનાનીઓએ સાબરમતી જેલમાં વિતાવેલા ઐતિહાસિક સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આઝાદીના આંદોલન સમયે સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદ રહેલા પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી અને લોકમાન્ય તિલક જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ જેલમાં વિતાવેલા સમય અને સ્મૃતિઓને જીવંત કરતી ફોટો ગેલેરી તેમજ આકર્ષક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





