Get News Alerts

Never miss breaking news updates.

Police Panchat : માધુપુરા પોલીસ મથકમાં ભરત લંગડાની કઈ પોઝીશન કોઈ કહેશે? બુટલેગરોએ કહી દીધુ ભાઈ નથી કરવો ધંધો !

GROWTH NOW NEWS ડિજીટલ દ્વારા દર રવિવારે સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાયત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં તમને અમદાવાદ શહેર પોલીસની ગુપ્ત વાતો વાંચવા મળશે.
Vivek Shah
Vivek ShahUpdated on: 04 Oct 2026 07:18 AM IST
Police Panchat : માધુપુરા પોલીસ મથકમાં ભરત લંગડાની કઈ પોઝીશન કોઈ કહેશે? બુટલેગરોએ કહી દીધુ ભાઈ નથી કરવો ધંધો !Police Panchat : માધુપુરા પોલીસ મથકમાં ભરત લંગડાની કઈ પોઝીશન કોઈ કહેશે? બુટલેગરોએ કહી દીધુ ભાઈ નથી કરવો ધંધો !

Police Panchat

પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.

માધુપુરામાં વહિવટની કમાન ખાનગી માણસ ભરત લંગડાને સોંપાઈ?

અમદાવાદના જાણીતા મસાલા માર્કેટ વિસ્તારમાં આવેલું માધુપુરા પોલીસ સ્ટેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના વહીવટને લઈને સૂત્રોના હવાલાથી એક ચર્ચા સામે આવી રહી છે કે પોલીસ સ્ટેશનમાં ‘વહિવટ’ની જવાબદારી એક ખાનગી વ્યક્તિને સોંપવામાં આવી હોવાની વાત છે. આ ચર્ચામાં ભરત લંગડા નામ પણ સામે આવી રહ્યું છે. નવા વહિવટદાર તરીકે ખાનગી વ્યક્તિની ભૂમિકા અંગે ચર્ચા થતાં પોલીસ વિભાગમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનનો વહીવટી અને કાયદો-વ્યવસ્થાનો કારભાર જે તે પોલીસ અને કર્મચારીઓ સંભાળતા હોય છે આવી સ્થિતિમાં જો કોઈ ખાનગી વ્યક્તિને અનૌપચારિક રીતે પોલીસ સ્ટેશનના વહીવટમાં ભૂમિકા આપવામાં આવી હોવાનો દાવો થાય, તો તેની સત્તાવાર સ્થિતિ અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે. આ સમગ્ર મામલે વધુ એક સવાલ એ છે કે, PIના ચાલુ કાર્યકાળ દરમિયાન જો વહિવટની જવાબદારી અન્ય વ્યક્તિને સોંપવામાં આવી હોવાની ચર્ચા છે, તો તેની પાછળનું કારણ શું?

બુટલેગરે કીધુ, અમે આટલા રૂપિયા નહી આપી શકીએ, ધંધો સ્વૈચ્છિક બંધ કરીએ છીએ

અમદાવાદ શહેરમાં પોલીસની અલગ-અલગ એજન્સીઓ કામ કરી કરી છે અને વિસ્તારમાં બે નંબરના ધંધા પર પણ ધ્યાન આપતી હોય છે. તો સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ પોલીસની ઘણી એજન્સીઓ કામ કરે છે, વહિવટદારો તે એજન્સીમાં પણ છે અને તેના પીઆઈઓને મલાઈદાર મલાઈ પણ ખવડાવી પોતે પણ મલાઈ ખાતા હોય છે ત્યારે જે જગ્યા પર ધંધા ચાલતા હોય છે તે ધંધા પરથી હપ્તા પણ ઉઘરાવવામાં આવતા હોય છે જેમાં પોલીસ સ્ટેશન અને એજન્સીના ઘણા વહિવટદારો સક્રિય છે.

તો એજન્સીના ઘણા વહિવટદારો એવા છે કે તેમણે બુટલેગરોને તો નહી પણ સ્થાનિક પોલીસ સ્ટેશનના વહિવટદારોને કહ્યું કે, વિસ્તારમાં ધંધો ચાલુ રાખવો હોય તો વહિટદારના અલગ અને પીઆઈના પણ અલગ રૂપિયા દર મહિને આપવા પડશે તો બુટલેગરે કીધુ એજન્સી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અમે આટલા રૂપિયા નહી આપી શકીએ અને અમે અમારો ધંધો સ્વૈચ્છિક બંધ કરી દઈએ છે.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે?

અમદાવાદ શહેરમાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જોવા મળી રહી છે. ખાસ કરીને સાયન્સ સિટી, માનસી સર્કલ, જજીસ બંગ્લોઝ, કર્ણાવતી ક્લબ અને એસજી હાઈવે જેવા પોશ વિસ્તારોમાં કામકાજના સમયે વાહન લઈને નીકળવું વાહનચાલકો માટે મુશ્કેલ બની રહ્યું છે. સવારે ઓફિસ અને અન્ય કામકાજ માટે નીકળતી વખતે તેમજ સાંજે પરત ફરવાના સમયે અનેક માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે. ટ્રાફિકની ગૂંચવણમાં માત્ર વાહનોની સંખ્યા જ કારણભૂત નથી. કેટલાક વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું અને પોતાની લેન છોડીને આગળ નીકળવાની ઉતાવળ પણ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે.

એક વાહનચાલકની મનમાનીને કારણે અન્ય વાહનોનો પ્રવાહ અટકતા આખા જંક્શન પર ટ્રાફિકની સ્થિતિ વણસી જાય છે.ટ્રાફિકનું નિયમન કરવા માટે કેટલાક સ્થળોએ પોલીસ અથવા TRB જવાનોની હાજરી જરૂરી હોય છે, પરંતુ દરેક વ્યસ્ત પોઈન્ટ પર પૂરતું નિયમન જોવા મળતું નથી. કયા જંક્શન પર પીક અવર્સ દરમિયાન સૌથી વધુ દબાણ રહે છે, ક્યાં વાહનો અટકે છે અને કયા અવરોધોને દૂર કરવાની જરૂર છે તેના આધારે સ્થળવાર આયોજન કરવાની જરૂરિયાત છે.

ખાખીના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓ માટે પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' સન્માન સમારોહ યોજાયો

ગુજરાત પોલીસે પોતાની પરંપરાને જાળવી રાખતા ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું. રાજ્યના પૂર્વ પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ અનોખી પહેલ અંતર્ગત પોતાના કર્મયોગથી ગુજરાત પોલીસના સુવર્ણ ઇતિહાસની પાયાની ઈંટો મૂકી છે અને ખાખી વર્દીની ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજ્જ્વળ બનાવી છે, તેવા નિવૃત્ત DGP અને ADGP રેન્કના અધિકારીઓનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું. જે પોલીસ અધિકારીઓએ પોતાનુ સંપૂર્ણ જીવન ગુજરાત પોલીસ સેવામાં સમર્પિત કરી ગુજરાત પોલીસનો સુવર્ણ ઇતિહાસ ઘડ્યો છે તેમજ અનેક નવીન પરિવર્તનો લાવીને ગુજરાત પોલીસના ગૌરવમાં વધારો કર્યો છે, તેવા નિવૃત્ત ડીજીપી અને એડીજીપી સહિતની રેન્કના પોલીસ અધિકારીઓને એક મંચ પર એકત્રિત કરી તમામ અધિકારીઓનું આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું.

ડીજીપી અને એડીજીપી જેવા ઉચ્ચ પદ પરથી નિવૃત્ત થયેલા 30 થી વધુ અધિકારીઓ અને તેમના પરિવારો આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર પોલીસ ભવન ખાતે આયોજિત 'વી સેલ્યુટ અવર મેન્ટોર્સ' (We Salute Our Mentors) કાર્યક્રમમાં ગુરુ તેવા સૌ નિવૃત્ત સિનિયર અધિકારીઓને સંબોધતા રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે, વરિષ્ઠ માર્ગદર્શકોને વંદન અને તેમના સન્માનના ઉદ્દેશ્ય સાથે આ અનોખા કાર્યક્રમની શરૂઆત વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી. કોઈપણ પોલીસ અધિકારીની સમગ્ર કારકિર્દીમાં પ્રોબેશન અને તાલીમનો ગાળો પાયારૂપ હોય છે; તે સમયે મેન્ટર્સ પાસેથી મળેલી શીખ અને સંસ્કારો જ અધિકારીની આગળની તમામ સફળતાનું ચાલકબળ બને છે.

પોલીસકર્મીની પર્સનલ કારમાં બ્લેક ફિલ્મને લઈ ડ્રાઈવનું સુરસુરિયું થયું

અમદાવાદ શહેરમાં પોલીસની કારમાં કાળા કાચ અને નંબર પ્લેટને લઈ ડ્રાઈવ ચાલી રહી છે અને તેનું અને સુરસુરિયું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, તો ઘણા વહિવટદારોની કારના કાચ કાળા છે અને નંબર પ્લેટ પણ નથી તેના કારણે તેઓ ટુ વ્હીલર વાહન લઈને ફરી રહ્યાાં હોવાની વાત સામે આવી છે. તો નાગરિકોના મતે આ ડ્રાઈવર અમુક દિવસો સુધી નહી પણ રોજ ચાલવી જોઈએ તેવી પણ માગ ઉઠી છે.

તો 5 ઓક્ટોબર સુધી ચાલનારી આ કાર્યવાહી દરમિયાન 'પોલીસ'ના લોગો કે લખાણવાળી કાર,કાળા કાચ/બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરનાં વાહનો સામે ખાસ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ સાથે સંકળાયેલું વાહન હોવાના કારણે ટ્રાફિકના નિયમોમાં કોઈ છૂટ નહીં મળે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ આ ડ્રાઈવનું સુરસુરિયું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. ડ્રાઈવ માત્ર નામની છે કે શું? હજી પણ ઘણા પોલીસ સ્ટેશનોમાં બ્લેક ફિલ્મ વાળી કાર તેમજ નંબર પ્લેટ વિનાની કાર જોવા મળે છે તેની સામે કોઈ કાર્યવાહી નહી!

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે