Get News Alerts

Never miss breaking news updates.

Police Panchat : ગુજરાત પોલીસમાં દિવાળી પહેલા વહિવટી સર્જરી પાક્કી ! બદલીઓ આવશે? ટ્રાફિકના વહિવટમાં કોણ ફાવ્યું ?

GROWTH NOW NEWS ડિજીટલ દ્વારા દર રવિવારે સ્પેશિયલ સ્ટોરી પોલીસ પંચાયત પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં તમને અમદાવાદ શહેર પોલીસની ગુપ્ત વાતો વાંચવા મળશે.
Vivek Shah
Vivek ShahUpdated on: 11 Oct 2026 06:56 AM IST
Police Panchat : ગુજરાત પોલીસમાં દિવાળી પહેલા વહિવટી સર્જરી પાક્કી !  બદલીઓ આવશે? ટ્રાફિકના વહિવટમાં કોણ ફાવ્યું ?Police Panchat : ગુજરાત પોલીસમાં દિવાળી પહેલા વહિવટી સર્જરી પાક્કી !  બદલીઓ આવશે? ટ્રાફિકના વહિવટમાં કોણ ફાવ્યું ?

Police Panchat

પોલીસ પંચાતમાં દર અઠવાડિયે GROWTH NOW NEWS દ્વારા પોલીસ વિભાગમાં ચાલતી ચર્ચાઓ, અમુક એવી ઈન્ટર્નલ ઘટનાઓ કે જે કદાચ લાગે નાની પણ બહાર પડે તો નોંધ લેવા જેવી બની જાય. આ એક એવી રેગ્યુલર કોલમ છે કે જેના માધ્યમથી અમે પોલીસ વિભાગનું જ ધ્યાન દોરીને ક્યાંક ત્રુટી રહી ગઈ હોય તો તેને સરખી કરવા માટેનું પરિબળ બની રહેવા માંગીએ છે. વાંચો આ વખતે શું ખાસ છે પોલીસ પંચાતમાં.

ટ્રાફિક I ડિવિઝનમાં મહેન્દ્રસિંહે પગલા પાડયા

અમદાવાદ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વહિવટદારોનું રાજ હોય છે અને વહિવટ મેળવવા માટે પડાપડી પણ થતી હોય છે, અમદાવાદ રીંગરોડનું ક્રીમ પોલીસ સ્ટેશન એટલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન આ પોલીસ સ્ટેશનમાં વહિવટ મેળવવા માટે ઘણા વહિવટદારોએ અગાઉ પીઆઈના પગ પણ ધોઈ નાખ્યા છે અને પકડી પણ લીધા છે, ત્યારે જિલ્લા બદલીમાં ગયેલા મહેન્દ્રસિંહના પગ ફરી અમદાવાદમાં પડયા છે અને તેમણે આઈ ડિવિઝન ટ્રાફિકનો વહિવટ લીધો હોવાની વાત સામે આવી છે.

ત્યારે મહિલી પીઆઈએ પણ અગાઉના વહિવટદારને સાઈડમાં કરીને વહિવટ મહેન્દ્રસિંહને સોંપ્યો છે, ત્યારે આ ક્રીમ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકમાં તો એવું શું મળતું હશે કે વહિવટદારે પણ જિલ્લાની નોકરી સાઈડમાં મૂકીને વહિવટ કરવા અમદાવાદ સુધી લાંબા થઉં પડયું. ત્યારે મહેન્દ્રસિંહને પણ લક્ષ્મીજીના આશીર્વાદ મળ્યા છે તેવી ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે.

વિવાદીત PSI ભરત પંડયાએ દારૂ પીને અકસ્માત કર્યો, ઉચ્ચ અધિકારીએ ભર્યા કડક પગલા

અમદાવાદ શહેર પોલીસને લાંચન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિક પોલીસ સ્ટેશનના PSIએ દારૂ પીધેલી હાલતમાં ત્રાગડ પાસે અક્સ્માત કર્યો હતો. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ભરત પંડ્યાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં PSIની GJ04DA6745 ગાડીમાં ડેકીમાં દારૂની બોટલ હતી. PSI પંડ્યાએ દારૂ પીધેલી હાલતમાં સાબરમતી વિસ્તારમાં ત્રાગડ રબારી વાસ પાસે ગાડી ચલાવી અક્સ્માત કર્યો હતો, જે બાદ સ્થાનિકોએ ભેગા થઈને PSI પંડયાને ઘેરીને તેમનો વીડિયો બનાવ્યો હતો. પોલીસને જાણ કરતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી.

પોલીસે સ્થળ પરથી PSI પંડ્યા અને ગાડી લઈ સાબરમતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. PSI ભરત પંડ્યા રિંગ રોડ તરફ રહે છે અને હાલમાં એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વિશાલ બીટ ઈનચાર્જ તરીકે ફરજ બજાવે છે. PSI પંડ્યા અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યારે પણ દારૂ પીધેલી હાલતમાં અક્સ્માત કરીને લારીઓ ઊંધી પાડી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. PSI પંડ્યાને થોડા સમય અગાઉ તેમના જ બીટમાં ફરજ બજાવતા TRB જવાને ફરજ દરમિયાન રિપોર્ટ કરતા મારવાની ધમકી આપી હતી. આ મામલે તેમણે ફરિયાદ પણ નોંધાવી હતી. પીએસઆઈ ભરત પંડ્યાને નાયબ પોલીસ કમિશનર (પશ્ચિમ ટ્રાફિક) દ્વારા તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસમાં દિવાળી પહેલાં વહીવટી સર્જરીની શક્યતા, કોની બદલી થશે?

દિવાળીના તહેવારો પહેલાં ગુજરાતના પોલીસ વિભાગમાં મોટા પાયે વહીવટી ફેરફારો થવાની શક્યતાઓને લઈને ચર્ચાઓ તેજ બની છે. રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ બેડામાં આગામી દિવસોમાં બદલી અને બઢતીનો દોર શરૂ થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને IPS, DySP અને PI કક્ષાના અધિકારીઓની બદલીઓ તથા બઢતીના આદેશો જાહેર થઈ શકે તેવી ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં લાંબા સમયથી એક જ હોદા પર અથવા એક જ ઝોનમાં ફરજ બજાવતા અધિકારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પ્રક્રિયામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓનો પણ સમાવેશ થઈ શકે છે. પોલીસ વિભાગમાં સમયાંતરે થતી આવી વહીવટી બદલીઓનો હેતુ કામગીરીમાં નવી ગતિ લાવવાનો, વહીવટી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવાનો અને અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવાનો હોય છે. દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી પોલીસ વિભાગ માટે મહત્વપૂર્ણ પડકાર હોય છે. આવી સ્થિતિમાં તહેવારો પહેલાં અધિકારીઓની બદલી અને જવાબદારીઓમાં ફેરફાર અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે.

નવરાત્રિના સમયે SP-SG હાઇવે પર રાત્રિના 3 વાગ્યા સુધી પોલીસ તૈનાત રહેશે

નવરાત્રિમાં મોડી રાત્રે પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો ન પડે અને સુરક્ષા જળવાઈ તે માટે શહેર પોલીસ દ્વારા આયોજન કરાયું છે. સરખેજ ગાંધીનગર હાઇવે અને સરદાર પટેલ રિંગ રોડ પરના તમામ જંકશન પર રાત્રે 3 વાગ્યા સુધી પોલીસ હાજર રહેશે. તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓની શિફટના સમયમાં પણ બેથી ત્રણ કલાકનો વધારો કરવામાં આવશે, જેથી દિવસે અને રાત્રે શહેરમાં ટ્રાફિકની સમસ્યા રહેશે નહીં.

ગરબા ગ્રાઉન્ડમાં મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ પણ તૈનાત રાખવામાં આવશે. 49 જેટલી શી ટીમ ગરબા ડ્રેસ અને યુનિફોર્મમાં રહેશે. મહિલાઓને તકલીફ હશે તો 181 પર ફોન કરવાથી પોલીસ તાત્કાલિક મદદ આપશે. આયોજકો અને ગરબા ક્લાસમાં જઈ શી ટીમ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે સંકલન કરી દૂર થતા ગરબા ઉપર પણ સુરક્ષા આપી નજર રાખશે. એન્ટી નાર્કોટિક્સ કીટ દ્વારા નવરાત્રિમાં તપાસ કરવામાં આવશે. SOG ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ અને બ્રેથ એનેલાઇઝર થકી ચેકીંગ કરશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કોલકાતામાં મળ્યો સ્પેશિયલ કમેન્ડેશન એવોર્ડ

પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે યોજાયેલા ખાસ UIDAI-આધાર કોન્ક્લેવમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા 'સ્પેશિયલ કમેન્ડેશન એવોર્ડ' એટલે કે વિશેષ પ્રશંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓળખ ચકાસણી માટે વિકસાવવામાં આવેલી નવીન વ્યવસ્થાઓ અને ટેકનોલોજી આધારિત પહેલને આ સન્માન આપવામાં આવ્યું છે. આ એવોર્ડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક વિશેષ સિદ્ધિને બિરદાવે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફલાઇન વેરિફિકેશન સીકિંગ એન્ટિટી (OVSE) તરીકે કાર્ય કરનારી પ્રથમ લૉ એનફોર્સમેન્ટ એજન્સી બની છે.

આ વ્યવસ્થાના માધ્યમથી સંમતિ આધારિત આધાર વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ બની છે. એટલે કે, ઓળખ ચકાસણીની પ્રક્રિયામાં સંબંધિત વ્યક્તિની સંમતિને મહત્વ આપવામાં આવે છે. આ પહેલને સાકાર કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોતાની ટીમ દ્વારા બે વિશેષ પોર્ટલ વિકસાવ્યાં છે. જેમાં પ્રથમ છે 'પથિક' પોર્ટલ. આ પોર્ટલ હોટેલમાં રોકાતા મહેમાનોની ઓળખ ચકાસણી અને સંબંધિત કામગીરીને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેના દ્વારા હોટેલ મહેમાનોની ચકાસણીની પ્રક્રિયાને ટેકનોલોજી સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે