Iskcon Sanand Corridor : અમદાવાદને નવા વર્ષની ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું કર્યું લોકાર્પણ

Iskcon Sanand Corridor : અમદાવાદના વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં નવનિર્મિત ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું છે.
Vivek Shah
Vivek Shah
Iskcon Sanand Corridor ઈસ્કોન સાણંદ કોરિડોરIskcon Sanand Corridor ઈસ્કોન સાણંદ કોરિડોર

Iskcon Sanand Corridor ઈસ્કોન સાણંદ કોરિડોર

Iskcon Sanand Corridor : અંદાજે ₹464 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ 6-લેન એલિવેટેડ કોરિડોર નૂતન વર્ષના આરંભ પૂર્વે શહેરીજનો માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. આ પ્રોજેક્ટથી સરખેજ-ગાંધીનગર હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટાડવામાં મદદ મળશે અને વાહનચાલકોના સમય તથા ઇંધણની બચત થશે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ધારાસભ્યો અમિતભાઈ ઠાકર અને બાબુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદને મળી નવા વર્ષની ભેટ

ઈસ્કોન જંક્શનથી સાણંદ ફ્લાયઓવર સુધીનો આ એલિવેટેડ કોરિડોર 4.03 કિલોમીટર લાંબો અને 26.8 મીટર પહોળો છે. ભારત સરકારના માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં વાયાડક્ટનો ભાગ 2,940 મીટર અને એપ્રોચની લંબાઈ 1,090 મીટર છે. સરખેજ-ગાંધીનગર હાઈવે પર કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જેવા વ્યસ્ત જંક્શનો પરથી પસાર થતા ટ્રાફિકને વધુ સુગમ બનાવવામાં આ કોરિડોર મહત્વની ભૂમિકા ભજવશે.

ખાસ કરીને ઈસ્કોન જંક્શનથી સાણંદ તરફ અવરજવર કરતા વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી રાહત મળવાની આશા છે. મુસાફરીનો સમય ઘટવાની સાથે વાહનોના સંચાલન ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે.

ઈસ્કોનથી સાણંદ પહોંચવું સરળ બન્યું

આ પ્રોજેક્ટમાં વાહનચાલકોની સુરક્ષા અને સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનોના અવાજથી ધ્વનિ પ્રદૂષણ ઓછું કરવા માટે કુલ 5,880 મીટર લંબાઈમાં નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 297 સ્ટ્રીટ લાઈટો, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓવરહેડ અને કેન્ટિલિવર ગેન્ટ્રી, રોડ સેફ્ટી બોર્ડ્સ, કેટ આઈ અને એન્ટીગ્લેર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

કોરિડોરની સાથે 7થી 14 મીટર પહોળાઈ ધરાવતા વ્હાઇટટોપિંગ સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા છે. આ તમામ સુવિધાઓથી હાઈવે પર વાહનવ્યવહાર વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનવાની અપેક્ષા છે. આ લોકાર્પણ સાથે અમદાવાદના માર્ગ માળખામાં વધુ એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. હવે આ કોરિડોરથી વાહનચાલકોને કેટલી રાહત મળે છે અને એસજી હાઈવે પર ટ્રાફિકનું ભારણ કેટલું ઘટે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : Gujarat Latest News Live : દિવાળીએ સુરત ST વિભાગને ફળ્યો તહેવાર, ચાર દિવસમાં ₹2.59 કરોડની આવક