અમદાવાદમાં ‘શસ્ત્ર છોડો, શાંતિ જોડો’ અભિયાનને મોટી સફળતા, 417 હથિયારો સ્વેચ્છાએ પોલીસને સોંપાયા

Ahmedabad Shastra Chhodo Shanti Jodo Campaign: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા નાગરિકોમાં શાંતિ અને સુરક્ષાની ભાવના વધારવાના હેતુથી શરૂ કરાયેલા ‘શસ્ત્ર છોડો, શાંતિ જોડો’ અભિયાનને સેક્ટર-1...
Rupin Bakraniya
Rupin Bakraniya
Ahmedabad Shastra Chhodo Shanti Jodo CampaignAhmedabad Shastra Chhodo Shanti Jodo Campaign

Ahmedabad Shastra Chhodo Shanti Jodo Campaign

Ahmedabad Shastra Chhodo Shanti Jodo Campaign: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા નાગરિકોમાં શાંતિ અને સુરક્ષાની ભાવના વધારવાના હેતુથી શરૂ કરાયેલા ‘શસ્ત્ર છોડો, શાંતિ જોડો’ અભિયાનને સેક્ટર-1 વિસ્તારમાં સારો પ્રતિસાદ મળ્યો છે. અભિયાન અંતર્ગત કુલ 417 હથિયારો નાગરિકોએ સ્વેચ્છાએ પોલીસ સમક્ષ જમા કરાવ્યા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના માર્ગદર્શન હેઠળ અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-1 નીરજકુમાર બડગુજરની દેખરેખમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ચાર પોલીસ ઝોનમાંથી 417 હથિયારો જમા

અભિયાન દરમિયાન સેક્ટર-1 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાગરિકોને ગેરકાયદેસર હથિયારો સ્વેચ્છાએ જમા કરાવવા અપીલ કરવામાં આવી હતી. જેના પગલે ઝોન-1માંથી 63, ઝોન-2માંથી 55, ઝોન-3માંથી 61 અને ઝોન-7માંથી સૌથી વધુ 238 હથિયારો પોલીસ સમક્ષ સોંપવામાં આવ્યા હતા. આમ, ચારેય ઝોનમાંથી કુલ 417 હથિયારો સ્વેચ્છાએ પોલીસને સોંપવામાં આવ્યા છે.

તલવારથી લઈને છરા-ચપ્પુ સુધીના હથિયારો જમા

પોલીસની અપીલ બાદ નાગરિકોએ વિવિધ પ્રકારના હથિયારો પોલીસને સોંપ્યા હતા. જેમાં તલવાર, છરા, ચપ્પુ, લાકડી અને પાઈપ સહિતના ઘાતક હથિયારોનો સમાવેશ થાય છે.

હથિયારો જપ્ત કરવા નહીં, શાંતિનો સંદેશ આપવાનો હેતુ

અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ અભિયાનનો હેતુ માત્ર ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવાનો નથી. સમાજમાં હિંસા અને ભયનું વાતાવરણ ઓછું કરી શાંતિ, સલામતી અને કાયદાના પાલનની ભાવના મજબૂત બનાવવી એ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમદાવાદ પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈ વ્યક્તિ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની માહિતી મળે અથવા કોઈ વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર રાખતી હોવાનું જણાય તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી. પોલીસ દ્વારા નાગરિકોને અભિયાનમાં સહકાર આપી અમદાવાદને વધુ સુરક્ષિત બનાવવામાં ભાગીદાર બનવા અપીલ કરવામાં આવી છે.