Nikol Accident: અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનરનો કહેર, ફૂટપાથ પર સૂતા પરિવારને કચડ્યો


Fortuner car accident on Nikol footpath નિકોલ અકસ્માત
Nikol Accident: અમદાવાદના નિકોલમાં ફોર્ચ્યુનરનો કહેર, ફૂટપાથ પર સૂતા પરિવારને કચડ્યો


Fortuner car accident on Nikol footpath નિકોલ અકસ્માત
Nikol Accident: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દેવાશ્ય સ્કૂલ નજીક ફૂટપાથ પર આરામ કરી રહેલા પરિવાર પર પૂરપાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કાર ફરી વળતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી.
ફૂટપાથ પર આરામ કરી રહેલા પરિવારને કારની ટક્કર
મળતી માહિતી મુજબ, નિકોલમાં દેવાશ્ય સ્કૂલની બાજુમાં એક પરિવાર ફૂટપાથ પર આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી ફોર્ચ્યુનર કાર ચાલકે પરિવારને અડફેટે લીધો હતો. કારની ટક્કરથી ત્રણ લોકો તેની અડફેટે આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ફોર્ચ્યુનર કારના ચાલકને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચાલકે નશો કર્યો હતો કે કેમ તેની તપાસ
અકસ્માની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કારચાલકે નશાકારક પદાર્થોનું સેવન કર્યું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માતના સંજોગો અને કારચાલકની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ શહેરમાં માર્ગ સુરક્ષા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના જોખમ અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Cyclone Mursu: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત મુરસુનો કહેર, ઓંગોલે નજીક ભારે વરસાદ





