અમદાવાદના નિકોલમાં નકલી દારૂનો ખેલ ઝડપાયો: સસ્તી બોટલને મોંઘી બ્રાન્ડનું નામ આપી વેચાણ

Ahmedabad Fake Liquor Case: અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને નિકોલ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને અટલ આવાસ યોજના ખાતે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે....
Rupin Bakraniya
Rupin Bakraniya
Ahmedabad Fake Liquor CaseAhmedabad Fake Liquor Case

Ahmedabad Fake Liquor Case

Ahmedabad Fake Liquor Case: અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને નિકોલ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને અટલ આવાસ યોજના ખાતે દરોડો પાડી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સસ્તી ગુણવત્તાના વિદેશી દારૂને મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરીને નકલી પેકિંગ સાથે વેચવાનો કથિત ગોરખધંધો સામે આવ્યો છે.

સસ્તો દારૂ, મોંઘી બ્રાન્ડનું પેકિંગ

પોલીસે સુનીલ ઉર્ફે સોનુ મખીજા, રહે. અટલ આવાસ યોજના,ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સસ્તી ગુણવત્તાનો વિદેશી દારૂ મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરીને ગ્રાહકોને મોંઘી બ્રાન્ડના નામે વેચવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ, મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો અને તેના સ્ટીકરો ભંગારવાળા પાસેથી મેળવવામાં આવતા હતા.

બોટલ પર સ્ટીકર લગાવીને ફરી સીલ કરવામાં આવતી

આ કથિત નકલી પેકિંગની પ્રક્રિયામાં ખાલી બોટલ પર મોંઘી બ્રાન્ડનું સ્ટીકર લગાવવામાં આવતું હતું. ત્યારબાદ તેમાં ફ્લેવર અથવા એસેન્સ ઉમેરવામાં આવતો અને બોટલને ફરીથી સીલપેક કરીને વેચવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલની પૂછપરછમાં દારૂમાં મુખ્યત્વે ફ્લેવર અને ક્યારેક પાણી ઉમેરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જોકે, દારૂમાં અન્ય કોઈ હાનિકારક કેમિકલની ભેળસેળ થઈ હતી કે નહીં તે અંગે હજુ અંતિમ નિષ્કર્ષ આવ્યો નથી.

કુબેરનગરમાં સાથીદારનો કથિત ધંધો

પોલીસના જણાવ્યા અનુસાર, સુનીલનો સાથીદાર દિનેશ ઝંડાવાળા કુબેરનગર ખાતે પોતાના ઘરેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોવાનું સામે આવ્યું છે. દિનેશ હાલ પોલીસની પકડથી બહાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેની અગાઉની ગુનાહિત હિસ્ટ્રી અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

‘FOR DEFENCE ONLY’ લખેલી બોટલ પણ મળી

કાર્યવાહી દરમિયાન સુનીલ પાસેથી એક એવી બોટલ પણ મળી હોવાનું સામે આવ્યું છે, જેના પર “FOR DEFENCE ONLY” લખેલું હતું. પોલીસે આ સહિત અન્ય મુદ્દામાલ કબજે કરીને તપાસ શરૂ કરી છે.

બોટલ દીઠ ₹100થી ₹200નો નફો

પોલીસની પૂછપરછમાં સુનીલ સસ્તા ભાવે બોટલો મેળવીને તેમાં નકલી પેકિંગ કર્યા બાદ છૂટકમાં વેચતો હોવાનું સામે આવ્યું છે. આ વ્યવહારમાં બોટલ દીઠ આશરે ₹100થી ₹200નો નફો રાખવામાં આવતો હોવાનું પોલીસનું કહેવું છે.

દારૂના સેમ્પલ FSLમાં મોકલાશે

કબજે કરાયેલા દારૂ અને અન્ય મુદ્દામાલને FSL તપાસ માટે મોકલવામાં આવશે. દારૂમાં કોઈ હાનિકારક અથવા અન્ય અયોગ્ય તત્વોની ભેળસેળ કરવામાં આવી છે કે નહીં તે FSL રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટ થશે.

બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી

સમગ્ર મામલે સુનીલ મખીજા સહિત સંબંધિત આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. દિનેશ ઝંડાવાળાની શોધખોળ સહિત સમગ્ર કેસની વધુ તપાસ નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.