Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad: નવરાત્રિના ગરબાના નકલી પાસ વેચી છેતરપિંડી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

Ahmedabad: નવરાત્રિના ગરબા મહોત્સવ દરમિયાન ગરબાના નકલી પાસ વેચીને લોકો સાથે છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Kunjan ShuklaUpdated on: 17 Oct 2026 03:25 PM IST
Ahmedabad: નવરાત્રિના ગરબાના નકલી પાસ વેચી છેતરપિંડી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈAhmedabad: નવરાત્રિના ગરબાના નકલી પાસ વેચી છેતરપિંડી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

Ahmedabad

Ahmedabad: નવરાત્રિના ગરબા મહોત્સવ દરમિયાન ગરબાના નકલી પાસ વેચીને લોકો સાથે છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ‘વીર રાજપૂત’ નામના ઈન્સ્ટાગ્રામ આઈડી દ્વારા અમદાવાદના આશરે 25 મોટા ગરબા આયોજનોની જાહેરાત કરીને લોકોને ઓછા ભાવે પાસ આપવાની લાલચ આપવામાં આવી હતી.

ઓછા ભાવે પાસ આપવાની લાલચ આપવામાં આવતી

મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર સક્રિય આ ઈન્સ્ટાગ્રામ આઈડી મારફતે શેરી અફેર્સ, મંડલી, મંડપમ, તત્વા, રેઈન ફોરેસ્ટ, રંગ મોરલો અને OG સહિતના જાણીતા ગરબા મહોત્સવોના પાસ વેચવાની ઓફર કરવામાં આવી હતી. આ ઉપરાંત, ‘અનંત બ્રહ્માંડ એક્સપીરિયન્સ’ના નામે પણ જાહેરાત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપી દ્વારા ગરબાના પાસ સ્પેશિયલ રેટ પર સામાન્ય કિંમત કરતાં ઓછા ભાવે આપવાની લાલચ આપવામાં આવતી હોવાનો આક્ષેપ છે. લોકો પાસ ખરીદવા માટે સંપર્ક કરતા આરોપી દ્વારા ઈમેલ મારફતે પાસ મોકલવામાં આવતા હતા.

ઓનલાઈન પાસ ખરીદતી વખતે સાવચેતી રાખવી જરૂરી

જોકે, આ પાસ નકલી હોવાનું સામે આવતાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ગરબાના સ્થળોએ પ્રવેશ મળ્યો નહોતો. અમદાવાદમાં અત્યાર સુધીમાં ચારથી પાંચ લોકો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ગરબામાં પ્રવેશ મેળવવાની આશા સાથે પાસ ખરીદનારા લોકોને સ્થળ પર પહોંચ્યા બાદ છેતરપિંડી થયાની જાણ થઈ હતી. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એફઆઈઆર નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટેકનિકલ તપાસ દરમિયાન આરોપી ગુજરાત બહારના અન્ય રાજ્યનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

જોકે, આરોપીની ઓળખ, છેતરપિંડીની કુલ રકમ અને અન્ય ભોગ બનેલા લોકોની સંખ્યા અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે. નવરાત્રિ દરમિયાન ઓનલાઈન પાસ ખરીદતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. ગરબાના પાસ ખરીદવા માટે આયોજકોની સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત માધ્યમોનો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી આવી છેતરપિંડીથી બચી શકાય.

આ પણ વાંચો: Junagadh: મહિલા પોલીસકર્મીના કથિત ત્રાસથી યુવાને ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન મોત

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.