Junagadh: મહિલા પોલીસકર્મીના કથિત ત્રાસથી યુવાને ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન મોત


Junagadh
Junagadh: મહિલા પોલીસકર્મીના કથિત ત્રાસથી યુવાને ઝેરી દવા પીધી, સારવાર દરમિયાન મોત


Junagadh
Junagadh: જૂનાગઢમાં ઝેરી દવા પીધા બાદ સારવાર દરમિયાન એક યુવાનનું મોત થતાં ચકચાર મચી છે. મૃતક યુવાનની ઓળખ હરદેવસિંહ છત્રસિંહ જાડેજા તરીકે થઈ છે. પરિવાર દ્વારા એક મહિલા પોલીસકર્મીના કથિત ત્રાસને કારણે યુવાને આત્મહત્યા કરી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પરિવારે તંત્ર સમક્ષ ન્યાયની માગ કરી છે.
બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાનો આક્ષેપ
મળતી માહિતી અનુસાર, હરદેવસિંહ જાડેજાએ 15 ઓક્ટોબરના રોજ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. દવા પીધા બાદ સારવાર દરમિયાનનો તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે GRDમાં ફરજ બજાવતાં મીરાબેન સંજયભાઈ ગોસ્વામીનું નામ સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર, મૃતક યુવાન અને મહિલા વચ્ચે સંબંધ હોવાની વાત સામે આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી પૈસા સહિતની અન્ય બાબતોને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પરિવાર દ્વારા ન્યાયની માગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી
પરિવારના આક્ષેપ મુજબ, મહિલા દ્વારા યુવાનને પોલીસનો ડર બતાવવામાં આવતો હતો. આ ઉપરાંત, મૃતક યુવાને અગાઉ આ મહિલા વિરુદ્ધ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે પરિવાર દ્વારા ન્યાયની માગ સાથે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પરિવાર તરફથી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના PI, PSI તેમજ અન્ય પોલીસ સ્ટાફની ભૂમિકા અંગે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ આક્ષેપોની સત્યતા અંગે સત્તાવાર તપાસ અને પુષ્ટિ થવી જરૂરી છે.
યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો
મૃતક હરદેવસિંહ જાડેજા પરણીત હોવાનું પણ સામે આવ્યું છે. યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ સમગ્ર મામલે પરિવાર દ્વારા ન્યાયની માગ કરવામાં આવી રહી છે. આક્ષેપોની તપાસ કરીને જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારની માગ છે. જોકે, પોલીસ કે સંબંધિત અધિકારીઓ તરફથી આ મામલે સત્તાવાર નિવેદન અને તપાસની વિગતો ઉપલબ્ધ થયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થઈ શકશે.





