અમદાવાદના નારોલમાં MD ડ્રગ્સ અને નશાની ગોળીઓ સાથે આરોપી ઝડપાયો, ₹1.17 લાખનો મુદ્દામાલ જપ્ત


Narol MD Drugs Case
અમદાવાદના નારોલમાં MD ડ્રગ્સ અને નશાની ગોળીઓ સાથે આરોપી ઝડપાયો, ₹1.17 લાખનો મુદ્દામાલ જપ્ત


Narol MD Drugs Case
Narol MD Drugs Case: અમદાવાદમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર સામે નારોલ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે MD ડ્રગ્સ, નશાની ગોળીઓ અને અન્ય મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ રૂ. 1,17,520નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

31 ગ્રામ MD ડ્રગ્સ અને 350 જેટલી નશાની ગોળીઓ મળી
નારોલ પોલીસે નશાના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી દરમિયાન નાસીર ખાન ઉર્ફે સંજય માનસિક પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પાસેથી આશરે 31 ગ્રામ MD ડ્રગ્સ, 350 જેટલી નશાની ગોળીઓ, ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ. 1 લાખ 17 હજાર 520 હોવાનું સામે આવ્યું છે.

નશીલા પદાર્થોના વેચાણનો આક્ષેપ
પ્રાથમિક પોલીસ તપાસમાં આરોપી નશીલા પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, નશીલા પદાર્થોનો જથ્થો આરોપી સુધી ક્યાંથી પહોંચ્યો હતો અને તેને આગળ કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો
પોલીસ તપાસ દરમિયાન આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સામે અગાઉ દારૂ, મારામારી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની કુલ 13 જેટલા ગુનાઓમાં સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એટલું જ નહીં, આરોપી સામે અગાઉ બે વખત પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ડ્રગ્સ ક્યાંથી આવ્યું? પોલીસ તપાસ તેજ
હાલ નારોલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હવે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે MD ડ્રગ્સ, નશાની ગોળીઓ અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો. આ કેસમાં ડ્રગ્સ સપ્લાય સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.




