Ahmedabadમાં સોના-ચાંદીના નામે ₹27.68 લાખની છેતરપિંડીનો આક્ષેપ, કોમલ જ્વેલર્સના પિતા-પુત્રની ધરપકડ



Ahmedabad Jewellery Fraud Case
Ahmedabadમાં સોના-ચાંદીના નામે ₹27.68 લાખની છેતરપિંડીનો આક્ષેપ, કોમલ જ્વેલર્સના પિતા-પુત્રની ધરપકડ



Ahmedabad Jewellery Fraud Case
Ahmedabad Jewellery Fraud Case: શહેરના સરદારનગર વિસ્તારમાં સોના-ચાંદીના વ્યવહારના નામે ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાના આક્ષેપમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોમલ જ્વેલર્સના માલિક ઉમેશ ચેલાણી અને તેના પિતા નારાયણદાસ ચેલાણીને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓએ સારો નફો અપાવવાની અને ચાંદીના વાસણો બનાવી આપવાની વાત કરીને બે ગ્રાહકો પાસેથી કુલ ₹27.68 લાખની કિંમતનું સોનું, ચાંદી અને રોકડ મેળવ્યાં હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તેમની પાસેથી ₹9,08,945ની કિંમતના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ચાંદીના વાસણો બનાવવાનું કહી ચાંદી મેળવી
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સરદારનગર સર્કલ પાસે આવેલી કોમલ જ્વેલર્સના માલિક ઉમેશ ચેલાણીએ 31 ઓગસ્ટ, 2026ના રોજ ફરિયાદી પરષોતમ પોમલને ચાંદીના વાસણો બનાવી આપવાની અને ભવિષ્યમાં સારો ભાવ અપાવવાની વાત કરી હતી. પરષોતમ પોમલ રાજસ્થાન હાઈકોર્ટમાં ચીફ એકાઉન્ટન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે. આરોપીની વાતમાં વિશ્વાસ રાખીને પરષોતમ પોમલે વાસણો બનાવવા માટે સાડા સાત કિલો ચાંદી આપી હતી. તેના બદલામાં ₹24 હજારની મજૂરીની પહોંચ આપવામાં આવી હતી અને 5 સપ્ટેમ્બરે વાસણો પરત આપવાનું નક્કી થયું હતું. આ ઉપરાંત તેમણે અઢી કિલો ચાંદીનું બુકિંગ કરાવી ₹5.62 લાખ રોકડા પણ ચૂકવ્યા હતા.

દુકાન બંધ મળતાં શંકા ગઈ
ફરિયાદ મુજબ, નક્કી કરેલી તારીખે પરષોતમ પોમલ કોમલ જ્વેલર્સ પહોંચ્યા ત્યારે દુકાન બંધ મળી આવી હતી. ત્યારબાદ તેઓ આરોપીઓના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ચાંદી અને રૂપિયા પરત આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. 7 સપ્ટેમ્બરે નારાયણદાસ ચેલાણીએ ₹5.50 લાખનો ચેક આપ્યો હતો. જોકે, ફરિયાદી દ્વારા બેંકમાં તપાસ કરાવતાં ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાનું સામે આવ્યું હોવાનો આક્ષેપ છે.
બીજા ગ્રાહક સાથે પણ છેતરપિંડીની ફરિયાદ
આ કેસમાં અન્ય એક ગ્રાહક જગદીશભાઈ ઢોલાણીએ પણ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ, તેમણે આરોપીઓને 10-10 ગ્રામના બે સોનાના બિસ્કિટ આપ્યા હતા, જેની કિંમત આશરે ₹3.20 લાખ હતી. આ ઉપરાંત એક કિલો ચાંદીના બુકિંગ માટે ₹2.36 લાખ ચૂકવ્યા હતા. જગદીશભાઈને પણ નક્કી કરેલા સોનાના દાગીના કે ચાંદી આપવામાં આવી નહોતી અને ચૂકવેલી રકમ પરત મળી નહોતી. બંને ગ્રાહકોની ફરિયાદના આધારે કુલ ₹27.68 લાખની કિંમતનું સોનું, ચાંદી અને રોકડ મેળવ્યાનો મામલો સામે આવ્યો છે.
અન્ય ભોગ બનનારની પણ તપાસ
આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉમેશ ચેલાણી અને તેના પિતા નારાયણદાસ ચેલાણીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ₹9,08,945ની કિંમતના સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓએ અન્ય કેટલા ગ્રાહકો પાસેથી સોનું, ચાંદી કે રોકડ મેળવી હતી. આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકો હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





