Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabadમાં વિદ્યાર્થીની હત્યા! ઢોર માર મારી નગ્ન હાલતમાં એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ફેંક્યો, સારવાર દરમિયાન મોત

Ahmedabad Student Murder: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 21 વર્ષીય કોલેજના વિદ્યાર્થીનું ગંભીર માર મારવાના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સરદાર પટેલ સ્કૂલ પાછળ આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી વિદ્યાર્થી...
R Gajjar
R GajjarUpdated on: 03 Oct 2026 10:02 PM IST
Ahmedabadમાં વિદ્યાર્થીની હત્યા! ઢોર માર મારી નગ્ન હાલતમાં એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ફેંક્યો, સારવાર દરમિયાન મોતAhmedabadમાં વિદ્યાર્થીની હત્યા! ઢોર માર મારી નગ્ન હાલતમાં એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ફેંક્યો, સારવાર દરમિયાન મોત

Silver Oak University Student

Ahmedabad Student Murder: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 21 વર્ષીય કોલેજના વિદ્યાર્થીનું ગંભીર માર મારવાના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સરદાર પટેલ સ્કૂલ પાછળ આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી વિદ્યાર્થી જીગર સોલંકી નગ્ન હાલતમાં અને ગંભીર ઇજાઓ સાથે મળી આવ્યો હતો. તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે ઇસનપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મિત્રને મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો

મૂળ ભાવનગરનો રહેવાસી જીગર શૈલેષભાઈ સોલંકી ગોતાની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બી.વોક ફાઇનાન્સના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. શરૂઆતમાં પીજીમાં રહેતો જીગર છેલ્લા અઢી મહિનાથી ઇસનપુરના જયંતપાર્ક વિસ્તારમાં રહેતા તેના મામા હર્ષિતભાઈ ચૌહાણના ઘરે રહેતો હતો. તેના મામા વ્યવસાયે વકીલ છે.

મળતી માહિતી મુજબ, 2 ઓક્ટોબરની રાત્રે જીગર મિત્રને મળવા જવાનું કહીને પોતાની હોન્ડા એક્સટ્રીમ મોટરસાઇકલ લઈને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તે ઇસનપુરના તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.

નગ્ન હાલતમાં મળી આવતાં સ્થાનિકોમાં દોડધામ

મૃતકના મામાને તેમના બનેવીનો ફોન આવ્યો હતો. તેમાં જીગર સાથે કોઈ અણબનાવ થયો હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મામાએ ફોન પર સંપર્ક કરતાં પ્રકાશભાઈ વ્યાસે જણાવ્યું હતું કે એક યુવક તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં નગ્ન હાલતમાં પડ્યો છે અને તેને માર મારવામાં આવ્યો છે.

મામા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા ત્યારે જીગર માત્ર અન્ડરવેર અને પગમાં મોજાં પહેરેલી હાલતમાં કમ્પાઉન્ડમાં પડેલો હતો. તેના શરીર પર અનેક જગ્યાએ ઇજાનાં નિશાન હતાં. મામાના જણાવ્યા મુજબ, જીગરે તેને માર મારવામાં આવ્યો હોવાનું કહ્યું હતું અને શરીરમાં ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. જોકે, તેને કોણે માર માર્યો તે અંગે તે કંઈ જણાવી શક્યો નહોતો.

એલ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

જીગર ઊભો થઈ શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેના મામાના મિત્રે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, સારવાર દરમિયાન રાત્રે અંદાજે સાડા બાર વાગ્યાની આસપાસ ફરજ પરના તબીબે જીગરને મૃત જાહેર કર્યો હતો.

બાઇક પાર્ક કરી બીજા માળ સુધી પહોંચ્યો હોવાની પ્રાથમિક વિગતો

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, જીગર ઇજાગ્રસ્ત હાલતમાં બાઇક લઈને તીર્થભૂમિ એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો અને બહાર બાઇક પાર્ક કર્યા બાદ નગ્ન હાલતમાં બીજા માળ સુધી ગયો હતો. ત્યારબાદ ફ્લેટમાં રહેતા લોકોએ બૂમાબૂમ કરતાં તે નીચે દોડી આવ્યો હતો અને કમ્પાઉન્ડમાં ઢળી પડ્યો હતો. જોકે, તેની સાથે ખરેખર શું બન્યું અને તેને કોણે માર માર્યો તે અંગે તપાસ ચાલુ છે.

CCTV અને અન્ય પુરાવાના આધારે તપાસ

ઇસનપુર પોલીસના પીઆઇ બી.એસ. જાડેજાના જણાવ્યા મુજબ, વિદ્યાર્થી ઘરેથી મિત્રોને મળવા જવાનું કહીને નીકળ્યો હતો. તેની પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી રહી છે. હાલમાં વિદ્યાર્થી પર હુમલો કોણે કર્યો, હુમલા પાછળનું કારણ શું હતું અને ઘટનાક્રમ કેવી રીતે બન્યો તે સહિતના સવાલોના જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]