Ahmedabad Bomb Threat: 19 બોમ્બ ધમકીભર્યા ઈમેઈલ મામલે સાયબર ક્રાઈમમાં નોંધાયો ગુનો


Ahmedabad Bomb Threat
Ahmedabad Bomb Threat: 19 બોમ્બ ધમકીભર્યા ઈમેઈલ મામલે સાયબર ક્રાઈમમાં નોંધાયો ગુનો


Ahmedabad Bomb Threat
Ahmedabad Bomb Threat: અમદાવાદમાં વિવિધ સ્થળોએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઈલ મામલે સાયબર ક્રાઈમમાં ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં એક જ ઈમેઈલ આઈડી પરથી અલગ-અલગ સ્થળોને ધમકીભર્યા મેઈલ મોકલવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. કુલ 19 ધમકીભર્યા ઈમેઈલમાં 14 સ્કૂલ સહિત વિવિધ સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
7 તારીખે પણ આશરે 16 ધમકીભર્યા ઈમેઈલ મળ્યા
ધમકી મળેલા સ્થળોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટની સોલા સ્થિત કોર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસ મુજબ, અગાઉ 7 તારીખે પણ આશરે 16 ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. તપાસ દરમિયાન ઈમેઈલના નેટવર્કમાં બાંગ્લાદેશના રંગપુર અને પાકિસ્તાન સાથે જોડાયેલી કડીઓ સામે આવી હોવાની માહિતી મળી છે. તાજેતરમાં આવેલા ધમકીભર્યા ઈમેઈલ લાહોર અને કરાચીના IP એડ્રેસ પરથી મોકલવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વારંવાર એકસરખી પેટર્નથી ઈમેઈલ મોકલવામાં આવતા હોવાની પણ વિગતો મળી છે.
પશ્ચિમ બંગાળમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી
પોલીસના જણાવ્યા અનુસાર, ખાલિસ્તાની સંગઠનના નામે અગાઉ મળેલી સમાન બોમ્બ ધમકીના કેસમાં પશ્ચિમ બંગાળમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં આરોપી બિનઉપયોગી Gmail એકાઉન્ટ બાંગ્લાદેશમાં રહેતી વ્યક્તિને વેચતો હતો અને બદલામાં ક્રિપ્ટોકરન્સી મેળવતો હોવાનો ખુલાસો થયો હતો. ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ મારફતે વિવિધ વ્યક્તિઓના ઈમેઈલ એકાઉન્ટ ખરીદવામાં આવતા હોવાની વિગતો પણ સામે આવી હતી.
પોલીસનો દાવો છે કે દિવાળી જેવા તહેવારો અને મોટી ઈવેન્ટ દરમિયાન લોકોમાં ભય ફેલાવવા માટે આવા ઈમેઇલ મોકલવામાં આવતા હોઈ શકે છે. સાયબર ક્રાઈમ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આવા ઈમેઇલ ફરી આવી શકે છે, પરંતુ લોકોએ ગભરાવાની જરૂર નથી. કોઈ શંકાસ્પદ ધમકી મળે તો તેની જાણ તાત્કાલિક પોલીસને કરવી જોઈએ.





