Ramayana Review: રામની મર્યાદા, રાવણનો અહંકાર અને સીતાની શક્તિ, નિતેશ તિવારીની સિનેમેટિક દુનિયા

Ramayana Review: નિતેશ તિવારીની ફિલ્મમાં રણબીર કપૂર રામ, યશ રાવણ અને સાઈ પલ્લવી સીતા તરીકે જોવા મળ્યા છે. જાણો ફિલ્મની સ્ટોરી, એક્ટિંગ અને VFXની ખાસિયતો.
Nancy Shukla
Ramayana Review: જાણો કેવી રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મ?Ramayana Review: જાણો કેવી રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મ?

Ramayana Review: જાણો કેવી રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મ?

Ramayana Review: કેટલીક કહાનીઓ એવી હોય છે, જેને કોઈ પરિચયની જરૂર હોતી નથી. રામાયણ પણ એવી જ એક મહાગાથા છે, જેની સાથે કરોડો લોકોની આસ્થા અને લાગણીઓ જોડાયેલી છે. હવે દિગ્દર્શક નિતેશ તિવારી આ મહાગાથાને આધુનિક ટેક્નોલોજી અને ભવ્ય સિનેમેટિક અનુભવ સાથે મોટા પડદા પર રજૂ કરવાનો પ્રયાસ કરે છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી જેવા કલાકારો સ્ટારર ફિલ્મ 'રામાયણ' ભારતીય સંસ્કૃતિ, ધર્મ, પ્રેમ, ત્યાગ, કર્તવ્ય અને અહંકારની કહાનીને નવા અંદાજમાં રજૂ કરે છે.

રાવણના ઉદયથી રામના વનવાસ સુધીની સફર

ફિલ્મની શરૂઆત દેવો અને અસુરો વચ્ચેના સંઘર્ષથી થાય છે. ત્યારબાદ યશના પાત્ર રાવણના ઉદય, તેની તપસ્યા, બ્રહ્મા પાસેથી મેળવેલા વરદાન અને લંકા પરના આધિપત્યની કહાની આગળ વધે છે. બીજી તરફ અયોધ્યામાં ભગવાન વિષ્ણુ રામના રૂપમાં અવતાર લે છે. ફિલ્મમાં રામનું બાળપણ, શિક્ષણ, વિશ્વામિત્ર સાથેની યાત્રા, તાડકા વધ, અહલ્યા ઉદ્ધાર અને સીતાના સ્વયંવર જેવા પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે.

રામ અને સીતાના લગ્ન બાદ કહાનીમાં મોટો વળાંક આવે છે. કૈકેયીના બે વચનોને કારણે રામને 14 વર્ષનો વનવાસ મળે છે. રામ સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં જાય છે. બીજી તરફ શૂર્પણખાના અપમાન બાદ રાવણ સીતાનું હરણ કરે છે. ફિલ્મનો પ્રથમ ભાગ અહીં સુધીની મહાગાથાને આવરી લે છે અને આગામી સંઘર્ષ માટે મજબૂત પાયો તૈયાર કરે છે.

રામાયણમાં પૌરાણિક પ્રસંગોનું રાખવામાં આવ્યું છે ધ્યાન

નિતેશ તિવારીની સૌથી મોટી સફળતા એ છે કે તેમણે જાણીતી કહાનીને ભવ્યતા સાથે રજૂ કરતી વખતે તેની મૂળ ભાવનાઓ અને પૌરાણિક પ્રસંગોનું ધ્યાન રાખ્યું છે. 'દંગલ' જેવી સફળ ફિલ્મ આપનાર દિગ્દર્શક અહીં પણ પાત્રોના સંબંધો અને લાગણીઓને પૂરતું મહત્ત્વ આપે છે.

રામ-લક્ષ્મણનો ભાઈ પ્રેમ, રામ-સીતા વચ્ચેનો પ્રેમ અને કૈકેયી સાથેના ઈમોશનલ દૃશ્યો ફિલ્મને ખાસ બનાવે છે. 'આદિપુરુષ'ની જેમ મૂળ કથા અને પાત્રોની રજૂઆત સાથે બિનજરૂરી છેડછાડ કરવાને બદલે નિતેશ તિવારીએ સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ્સ દ્વારા મહાગાથાને નવો અનુભવ આપવાનો પ્રયાસ કર્યો છે.

VFX અને સિનેમેટોગ્રાફી દમદાર

ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેનો ભવ્ય વિઝ્યુઅલ અનુભવ છે. અયોધ્યા, મિથિલા, લંકાના મહેલો, જંગલો અને યુદ્ધનાં દૃશ્યો પ્રોડક્શન ડિઝાઈનની ભવ્યતા દર્શાવે છે. DNEGના VFX ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરનો સિનેમેટિક અનુભવ આપવાનો પ્રયાસ કરે છે.

પંકજ કુમાર અને મહેશ લિમયેની સિનેમેટોગ્રાફી પ્રશંસનીય છે. એઆર રહેમાન અને હાન્સ ઝિમરનું સંગીત ફિલ્મની લાગણીઓ અને ભવ્યતામાં વધારો કરે છે. બેકગ્રાઉન્ડ સ્કોર ખાસ કરીને રોમાંચક અને ઈમોશનલ દૃશ્યોને વધુ અસરકારક બનાવે છે.

રણબીર, યશ અને સાઈ પલ્લવીની શાનદાર રજૂઆત

રણબીર કપૂરે ભગવાન રામના પાત્રમાં શાંતિ, કરુણા અને મર્યાદાને સુંદર રીતે રજૂ કરી છે. ખાસ કરીને વનવાસ સ્વીકારવાના અને કૈકેયી સાથેના ઈમોશનલ દૃશ્યોમાં તેમનો અભિનય પ્રભાવિત કરે છે. યશ રાવણના પાત્રમાં શક્તિ, મહત્વાકાંક્ષા અને અહંકારનું જોરદાર મિશ્રણ રજૂ કરે છે. તેમની સ્ક્રીન પ્રેઝન્સ અને સંવાદોની રજૂઆત ખાસ ધ્યાન ખેંચે છે. બીજી તરફ સાઈ પલ્લવી સીતાના પાત્રમાં ગરિમા, સંવેદનશીલતા અને આંતરિક શક્તિ દર્શાવવામાં સફળ રહી છે.

રવિ દુબે લક્ષ્મણ તરીકે સારી છાપ છોડે છે. રકુલ પ્રીત સિંહ શૂર્પણખા, લારા દત્તા કૈકેયી અને અરુણ ગોવિલ દશરથના પાત્રમાં અસરકારક લાગે છે. અનુપમ ખેરના અવાજમાં જટાયુનું પાત્ર પણ ભાવુક કરી શકે છે.

ફિલ્મની ખાસિયત અને ખામીઓ

ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની ભવ્યતા સાથે ભાવનાત્મક જોડાણ છે. જાણીતા પ્રસંગોને આધુનિક વિઝ્યુઅલ ઈફેક્ટ્સ દ્વારા નવી પેઢી સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ પ્રશંસનીય છે. પરંતુ ત્રણ કલાકથી વધુની લંબાઈને થોડી ઓછી કરી શકાઈ હોત. કેટલાક CGI દૃશ્યોમાં પણ વધુ સુધારાની શક્યતા છે.

થિયેટરમાં જોવાલાયક ભવ્ય મહાગાથા

રણબીર કપૂરની એક્ટિંગ, યશ દમદાર રાવણ, સાઈ પલ્લવીની સહજ રજૂઆત, શાનદાર સંગીત અને ભવ્ય વિઝ્યુઅલ્સ ફિલ્મની તાકાત છે. કેટલીક નાની ખામીઓ છતાં ફિલ્મનો સિનેમેટિક અનુભવ તેને ખાસ બનાવે છે. રામાયણની સ્ટોરી જાણતા દર્શકો માટે પણ આ ફિલ્મ નવા અંદાજમાં મહાગાથા જોવાની તક આપે છે. ભારતીય પૌરાણિક કથાઓ અને ભવ્ય સિનેમાના શોખીન લોકોએ આ ફિલ્મ થિયેટરમાં, ખાસ કરીને IMAX અને 3Dમાં જોવી જોઈએ.

આ પણ વાંચો: Ramayana: રિલીઝ પહેલાં જ રણબીર કપૂરની 'રામાયણ'એ કરી 150 કરોડ રૂપિયાથી વધુની કમાણી