Nora Fatehi: સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના વસૂલી કેસમાં નોરા ફતેહી બનશે સાક્ષી, કોર્ટે મોકલ્યું સમન્સ

Nora Fatehi: એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર સુકેશ ચંદ્રશેખર કેસને લઈને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસને કોર્ટે સમન્સ પાઠવ્યું છે અને 2 નવેમ્બરે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
Nancy ShuklaUpdated on: 30 Oct 2026 06:53 PM IST
Nora Fatehi: સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના વસૂલી કેસમાં નોરા ફતેહી બનશે સાક્ષી, કોર્ટે મોકલ્યું સમન્સNora Fatehi: સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના વસૂલી કેસમાં નોરા ફતેહી બનશે સાક્ષી, કોર્ટે મોકલ્યું સમન્સ

Nora Fatehi

Nora Fatehi: બોલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં આવી છે. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા આશરે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વસૂલીના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે નોરા ફતેહીને સમન્સ પાઠવ્યું છે. કોર્ટે એક્ટ્રેસે 2 નવેમ્બરે સાક્ષી તરીકે હાજર રહીને પોતાનું નિવેદન નોંધાવવા આદેશ આપ્યો છે.

આ કેસની ત્રીજી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં નોરા ફતેહીનું નામ સાક્ષી તરીકે સામેલ છે. અગાઉ પણ તપાસ એજન્સીઓએ એક્ટ્રેસની પૂછપરછ કરી હતી. આ દરમિયાન સુકેશ સાથેના તેના સંબંધો અને તેના સાથે જોડાયેલા લોકો તરફથી મળેલી મોંઘી ભેટો અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા. પરંતુ નોરાએ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાની ના પાડી છે. તેનો દાવો છે કે આ કેસમાં તે પોતે પણ પીડિત હતી.

શું છે 200 કરોડ રૂપિયાનો સમગ્ર મામલો?

આ કેસ ઓક્ટોબર 2021માં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. આ તપાસ સુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની લીના મારિયા પોલ સાથે જોડાયેલી હતી.

ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહનાં પત્ની અદિતિ સિંહે આરોપ લગાવ્યો હતો કે તેની સાથે આશરે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, સુકેશે પોતાને મોટો સરકારી અધિકારી ગણાવીને અદિતિનો સંપર્ક કર્યો હતો. તેને અદિતિના પતિને જામીન અપાવવામાં મદદ કરવાનું વચન આપીને પૈસા મેળવ્યા હોવાનો આરોપ છે.

ચેન્નાઈના એક કાર્યક્રમને લઈને થઈ હતી પૂછપરછ

સપ્ટેમ્બર 2022માં દિલ્હી પોલીસની EOWએ પણ નોરા ફતેહીની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ ચેન્નાઈમાં યોજાયેલા એક કાર્યક્રમને લઈને કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સુકેશની પત્ની સાથે જોડાયેલી કંપની દ્વારા કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

તપાસ દરમિયાન નોરા અથવા તેમની નજીકના લોકોને કાર સહિત મોંઘી ભેટો આપવામાં આવી હોવાના આરોપોની પણ તપાસ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ નોરાએ તપાસમાં સહકાર આપ્યો હતો અને સંબંધિત લોકો સાથે થયેલી વાતચીત અંગે માહિતી આપી હતી.

જેકલીન ફર્નાન્ડિસની પણ થઈ હતી પૂછપરછ

આ સમગ્ર કેસમાં બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસની પણ અલગથી પૂછપરછ કરવામાં આવી હતી. EDની મની લોન્ડરિંગ તપાસમાં તેને આરોપી બનાવવામાં આવી હતી. પરંતુ જેકલીને પણ કોઈ ખોટું કામ કર્યું હોવાના આરોપોને નકાર્યા છે. હવે નોરા ફતેહી 2 નવેમ્બરે કોર્ટમાં સાક્ષી તરીકે શું નિવેદન આપે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: Ramayana: રણબીર કપૂરની 'રામાયણ'એ વિદેશમાં મચાવી ધૂમ, એડવાન્સ બુકિંગમાં કરી કરોડોની કમાણી!

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.