CIDના પ્રોડ્યુસર બી.પી. સિંહનું 77 વર્ષની વયે નિધન, અશોક પંડિતે વ્યક્ત કર્યું દુઃખ

CIDના પ્રોડ્યુસર બીપી સિંહનું મંગળવારે હાર્ટ એટેકથી અવસાન થયું. ફિલ્મ મેકર અશોક પંડિતે આ સમાચારની પુષ્ટિ કરી અને ભારતીય ટેલિવિઝનમાં તેમના યોગદાનને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી.
Nancy ShuklaUpdated on: 27 Oct 2026 07:20 PM IST
CIDના પ્રોડ્યુસર બી.પી. સિંહનું 77 વર્ષની વયે નિધન, અશોક પંડિતે વ્યક્ત કર્યું દુઃખCIDના પ્રોડ્યુસર બી.પી. સિંહનું 77 વર્ષની વયે નિધન, અશોક પંડિતે વ્યક્ત કર્યું દુઃખ

BP Singh

CID: ભારતીય ટેલિવિઝનના લોકપ્રિય ક્રાઈમ શો 'CID' અને હોરર સીરિયલ 'આહટ'ના મેકર બૃજેન્દ્ર પાલ સિંહ, જેઓ બી.પી. સિંહ તરીકે જાણીતા હતા, તેમનું 27 ઓક્ટોબર, મંગળવારની સવારે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. તેમના નિધનના સમાચારથી મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. ફિલ્મ મેકર અશોક પંડિતે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપીને તેમના યોગદાનને યાદ કર્યું છે.

28 ઓક્ટોબરે થશે અંતિમ સંસ્કાર

બી.પી. સિંહના અંતિમ સંસ્કાર 28 ઓક્ટોબરે કરવામાં આવશે. પરિવાર તરફથી અંતિમ સંસ્કારના સ્થળ અને સમય અંગે વધુ વિગતો જાહેર થવાની બાકી છે. દાયકાઓ સુધી ટેલિવિઝન જગતમાં એક્ટિવ રહેલા બી.પી. સિંહે પોતાના સર્જનાત્મક કાર્યથી દર્શકોના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યું હતું.

અશોક પંડિતે વ્યક્ત કર્યું દુઃખ

ફિલ્મ મેકર અશોક પંડિતે સોશિયલ મીડિયા પર બી.પી. સિંહના નિધનના સમાચાર શેર કરતાં તેમને પ્રતિભાશાળી મેકર અને પોતાના પ્રિય મિત્ર ગણાવ્યા હતા. તેમને 'CID' અને 'આહટ' જેવા શો દ્વારા દેશભરના દર્શકોનું મનોરંજન કરનારા બી.પી. સિંહના યોગદાનને યાદ કર્યું હતું. અશોક પંડિતે ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશન (IFTDA)ના અધ્યક્ષ તરીકે બી.પી. સિંહના કાર્યકાળ દરમિયાન તેમની સાથે કામ કર્યાની યાદો પણ તાજી કરી હતી. તેમને શોકગ્રસ્ત પરિવાર અને નજીકના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

View post on Instagram

'CID'થી મેળવી દેશભરમાં ઓળખ

બી.પી. સિંહે વર્ષ 1998માં શરૂ થયેલા લોકપ્રિય ક્રાઈમ શો ‘CID’ના નિર્માણ અને દિગ્દર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા જટિલ ગુનાઓની તપાસ પર આધારિત આ શો બે દાયકાથી વધુ સમય સુધી દર્શકોમાં લોકપ્રિય રહ્યો હતો. આ શોમાં તેઓ ક્યારેક ડીસીપી શમશેર સિંહ ચિત્રોલેના પાત્રમાં પણ જોવા મળતા હતા. તેમની સર્જનાત્મક દૃષ્ટિએ ‘CID’ને ભારતીય ટેલિવિઝનના યાદગાર શોમાં સ્થાન અપાવ્યું હતું.

'આહટ' સહિત અનેક લોકપ્રિય શોનું નિર્માણ

બી.પી. સિંહનું યોગદાન માત્ર ક્રાઈમ શો પૂરતું સીમિત ન હતું. તેમને 'આહટ' જેવા લોકપ્રિય હોરર શોનું પણ નિર્માણ કર્યું હતું. વર્ષ 1995થી 2015 દરમિયાન પ્રસારિત થયેલા આ શોએ ભારતીય ટેલિવિઝન પર હોરર શોની લોકપ્રિયતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના અન્ય પ્રોજેક્ટ્સમાં 'ખાકી', 'અભય' અને 'સુપરકોપ્સ વર્સેસ સુપર વિલન્સ'નો સમાવેશ થાય છે.

CIDના નામે નોંધાયો હતો ખાસ રેકોર્ડ

CIDએ ઓક્ટોબર 2004માં એક વિશેષ એપિસોડનું સતત 111 મિનિટ સુધી શૂટિંગ કરીને ટેલિવિઝન જગતમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી હતી. આ એપિસોડને લાંબા સતત શોટ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યાનો ઉલ્લેખ કરવામાં આવે છે. બી.પી. સિંહનું નિધન ભારતીય ટેલિવિઝન જગત માટે મોટી ખોટ છે. તેમના શો અને સર્જનાત્મક કાર્યને કારણે તેઓ હંમેશાં દર્શકોની યાદોમાં જીવંત રહેશે.

આ પણ વાંચો: Ramayanaએ એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ, રણબીર કપૂરની ફિલ્મે રિલીઝ પહેલાં જ કરી અધધ કમાણી

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.