Sharadiya Navratri 2026 : ગિરનારથી જૂનાગઢ સુધી ભક્તિનો રંગ, માં અંબાના સાનિધ્યમાં શારદીય નવરાત્રિનો પ્રારંભ



Sharadiya Navratri 2026 Junagadh
Sharadiya Navratri 2026 : ગિરનારથી જૂનાગઢ સુધી ભક્તિનો રંગ, માં અંબાના સાનિધ્યમાં શારદીય નવરાત્રિનો પ્રારંભ



Sharadiya Navratri 2026 Junagadh
Sharadiya Navratri 2026 : ગરવા ગિરનાર પર્વત પર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરથી લઈને ગિરનારની તળેટીમાં આવેલા પૌરાણિક વાઘેશ્વરી મંદિર સહિત શહેરનાં વિવિધ ધાર્મિક સ્થળોએ ઘટસ્થાપન અને પૂજાવિધિ સાથે નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી.
પ્રથમ નોરતે વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. ગિરનાર પર્વત પર આવેલા માં અંબાના મંદિરનું ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારે ભક્તોએ માતાજીનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. રોપવે મારફતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા.
શક્તિપીઠ તરીકે ગિરનારનું વિશેષ મહત્ત્વ
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ વહેલી સવારે ગિરનાર પર માં અંબાના સાનિધ્યમાં પહોંચ્યા હતા. તેમણે ઘટસ્થાપન અને પૂજાવિધિમાં ભાગ લઈને સમગ્ર સૃષ્ટિ તથા ભક્તોના કલ્યાણ માટે માતાજીને પ્રાર્થના કરી હતી. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ગિરનાર પર બિરાજમાન માં અંબાનું સ્થાન શક્તિપીઠ તરીકે મહત્ત્વ ધરાવે છે. ધાર્મિક કથાઓમાં વર્ણવ્યા પ્રમાણે, માતા સતીના દેહના વિવિધ ભાગો જે સ્થળોએ પડ્યા હતાં, તે સ્થાનોને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.
ગિરનાર સાથે જોડાયેલી આ માન્યતાને કારણે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીનાં દર્શન અને પૂજાનો લાભ મળતાં ભક્તોએ આનંદ અને ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે અન્ય શ્રદ્ધાળુઓને પણ નવરાત્રી દરમિયાન ગિરનાર આવી માં અંબાના દર્શન કરવાનો આગ્રહ કર્યો હતો.
નવનાથ અને 84 સિદ્ધોની પાવન ભૂમિ
માં અંબાના મંદિરના શાસ્ત્રી કપિલભાઈ પંડ્યાએ નવરાત્રીના મહિમા અંગે જણાવ્યું હતું કે આ સ્થળનું ધાર્મિક મહત્ત્વ વિશેષ છે. તેમની માહિતી અનુસાર, અહીં નવનાથ, 84 સિદ્ધો, 64 જોગણીઓ અને દત્ત મહારાજ સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાઓને કારણે નવરાત્રી દરમિયાન વિશેષ મહિમા જોવા મળે છે.
ગિરનાર ઉપરાંત વાઘેશ્વરી મંદિર સહિત જૂનાગઢનાં પ્રાચીન અને પૌરાણિક ધાર્મિક સ્થળોએ પણ પૂજા-અર્ચના અને અનુષ્ઠાન શરૂ થયાં હતાં. નવરાત્રીના આગમન સાથે સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. આગામી દિવસોમાં પણ મંદિરોમાં દર્શન, પૂજા અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





