Get News Alerts

Never miss breaking news updates.

Ganesh Chaturthi 2026 : લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન થશે

Ganesh Chaturthi 2026 : જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં ભગવાનનો વાસ હોય છે અને જ્યાં ભક્તિમાં ભાવ ભળે છે ત્યાં ધાર્મિક પ્રસંગ જીવનભરની યાદ બની જાય છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 13 Sep 2026 12:41 PM IST
Ganesh Chaturthi 2026 : લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન થશેGanesh Chaturthi 2026 : લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન થશે

Ganesh Chaturthi 2026

Ganesh Chaturthi 2026 : આ વર્ષે અમદાવાદના ખાડિયા ગેટ પાસે આવેલી લાખિયાની પોળ ખાતે ગણેશ ભક્તો માટે આવો જ એક વિશેષ અને અલૌકિક અવસર સર્જાવા જઈ રહ્યો છે. મુંબઈના પ્રસિદ્ધ લાલબાગના રાજાની તર્જ પર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન કરવામાં આવશે.

ગણેશ ચતુર્થીના પાવન દિવસે એટલે કે 14 સપ્ટેમ્બર, 2026, સોમવારના રોજ સવારે 11:30 કલાકે ભગવાન શ્રી ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવશે. આગામી 10 દિવસ દરમિયાન ‘ખાડિયાના ગણરાજ’ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ગણેશભક્તો માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બનશે.

ગણરાજના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરવાનો અવસર

આ સમગ્ર આયોજનની સૌથી ખાસ વાત એ છે કે ગુજરાતમાં પ્રથમવાર ભાવિકોને ભગવાન શ્રી ગણેશજીના ચરણસ્પર્શ દર્શનનો લ્હાવો મળશે, તેવું આયોજકો દ્વારા જણાવાયું છે. ભગવાનના પાવન ચરણોના દર્શન કરીને તેમના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવવાનો આ અવસર ભક્તો માટે વિશેષ આધ્યાત્મિક અનુભૂતિ બની રહેશે.

ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા, મંગલમૂર્તિ તેમજ બુદ્ધિ અને સિદ્ધિના દાતા તરીકે પૂજવામાં આવે છે. ગણરાજના ચરણોમાં પોતાની શ્રદ્ધા અર્પણ કરી જીવનના વિઘ્નો દૂર થાય અને સુખ-શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવા મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચે તેવી અપેક્ષા છે.

10 દિવસ સુધી ભક્તિનું કેન્દ્ર બનશે ‘ખાડિયાના ગણરાજ’

આ ભવ્ય ગણેશ મહોત્સવનું વિસર્જન 25 સપ્ટેમ્બર, 2026, શુક્રવારના રોજ બપોરે 12:30 કલાકે કરવામાં આવશે. એટલે કે 10 દિવસ સુધી ખાડિયાના ગણરાજના દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનો લાભ ભક્તોને મળશે. અષ્ટ વિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ, ધાર્મિક સત્સંગના અગ્રણીઓ અને લોકભાગીદારો દ્વારા આ ખાડિયા સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજકો દ્વારા અમદાવાદની તમામ ભાવિક જનતાને પરિવારજનો અને સ્નેહીજનો સાથે આ ભવ્ય ધાર્મિક પ્રસંગમાં પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

આયોજકોનું કહેવું છે કે, આ ગણેશોત્સવને માત્ર ઉત્સવ તરીકે નહીં પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારના પર્વ તરીકે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવશે. ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી સમગ્ર ખાડિયા અને અમદાવાદને ભક્તિમય બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ રીતે ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન અને ચરણસ્પર્શ દર્શનનો વિશેષ અવસર અમદાવાદના ગણેશોત્સવમાં એક નવો આધ્યાત્મિક અનુભવ ઉમેરશે.

આ પણ વાંચો : Dang માં મેઘમહેર, નદીઓ બે કાંઠે થતા શિવઘાટના ઝરણાં ફરી સક્રિય થયા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે