Shardiya Navratri 2026 : ગુજરાતમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ રહેશે ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ખેલૈયાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ’થી લઈને સાયબર સેલ સજ્જ



Navratri Security Tightened Across Gujarat Police
Shardiya Navratri 2026 : ગુજરાતમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ રહેશે ગુજરાત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ખેલૈયાઓની સુરક્ષા માટે ‘શી-ટીમ’થી લઈને સાયબર સેલ સજ્જ



Navratri Security Tightened Across Gujarat Police
Shardiya Navratri 2026 : ખેલૈયાઓ નિર્ભય બનીને ગરબે ઘૂમી શકે તે હેતુથી રાજ્યભરમાં 22 હજારથી વધુ ગરબા સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવાની યોજના બનાવવામાં આવી છે. શેરી ગરબાથી લઈને મોટા પાર્ટી પ્લોટ સુધી પોલીસ, હોમગાર્ડ અને TRB જવાનો તૈનાત રહેશે.
જાહેર કરાયેલી વિગતો મુજબ, રાજ્યમાં 364 પાર્ટી પ્લોટ, 2,727 જાહેર ગરબા સ્થળો અને 16,527 શેરી ગરબા સહિત વિવિધ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આયોજનમાં ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ જિલ્લા પોલીસ વડાઓ અને પોલીસ કમિશનરોને સતર્ક રહેવા તથા પેટ્રોલિંગ વધારવા સૂચના આપી છે.
ગરબા આયોજકો માટે કડક ગાઇડલાઇન
નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભીડવાળા વિસ્તારો, શોપિંગ ઝોન અને ગરબા સ્થળોએ મહિલા પોલીસકર્મીઓ ઉપરાંત ટ્રેડિશનલ ડ્રેસમાં ‘શી-ટીમ’ પણ તૈનાત રહેશે. છેડતી, અસભ્ય વર્તન કે મહિલાઓને હેરાન કરવાની ફરિયાદ મળે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવી, ધાર્મિક લાગણી દુભાવતી સામગ્રી પ્રસારિત કરવી કે સામાજિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરનારાઓ પર પણ પોલીસની નજર રહેશે. સાયબર ક્રાઇમ વિભાગ ડિજિટલ માધ્યમો પર દેખરેખ રાખશે. નિયમોનો ભંગ થતો જણાય તો લાગુ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
CCTVથી લઈને મેટલ ડિટેક્ટર સુધીની વ્યવસ્થા ફરજિયાત
ગરબા આયોજકો માટે પણ સુરક્ષા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ ગેટ, સમગ્ર પરિસરમાં CCTV કેમેરા, ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર અને બ્રેથ એનાલાઇઝર જેવી વ્યવસ્થાઓ રાખવા સૂચના આપવામાં આવી છે.
આ પગલાંનો હેતુ ભીડનું યોગ્ય સંચાલન અને સંભવિત જોખમો સામે સાવચેતી રાખવાનો છે. ગુજરાત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ગરબા સ્થળે કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય અથવા કટોકટી ઊભી થાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 પર સંપર્ક કરે. પોલીસનું કહેવું છે કે નાગરિકો, આયોજકો અને સુરક્ષા એજન્સીઓના સહયોગથી નવરાત્રિ પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવી શકાય છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





