Ambaji Mohanthal પ્રસાદને મળ્યો GI ટેગ, નવરાત્રિના પ્રથમ નોરતે ટ્રસ્ટને સર્ટિફિકેટ અપાશે



Ambaji Mohanthal
Ambaji Mohanthal પ્રસાદને મળ્યો GI ટેગ, નવરાત્રિના પ્રથમ નોરતે ટ્રસ્ટને સર્ટિફિકેટ અપાશે



Ambaji Mohanthal
Ambaji Mohanthal: ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગ મળ્યો છે. કેન્દ્રીય GI રજિસ્ટ્રી દ્વારા આ માન્યતા આપવામાં આવતા અંબાજીના મોહનથાળને વિશિષ્ટ ઓળખ સાથે કાનૂની સંરક્ષણ પણ મળ્યું છે. આ સિદ્ધિથી અંબાજી મંદિરની પ્રસાદ પરંપરાને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે.
1 ઓક્ટોબરે GI ટેગનું સર્ટિફિકેટ જારી
મળેલી માહિતી અનુસાર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે ‘અંબાજી મોહનથાળ’ને ખાદ્ય પદાર્થોની ક્લાસ-30 શ્રેણી હેઠળ GI ટેગ આપવામાં આવ્યો છે. અધિકૃત દસ્તાવેજો મુજબ, આ માટેનું સર્ટિફિકેટ 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું.
GI ટેગ કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર સાથે જોડાયેલા ઉત્પાદનની વિશિષ્ટ ઓળખને માન્યતા આપે છે. અંબાજીના મોહનથાળને આ દરજ્જો મળવાથી તેની પરંપરાગત ઓળખ જાળવવામાં મદદ મળશે.
નવરાત્રિના પ્રથમ નોરતે વિશેષ સમારોહ
આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી માટે નવરાત્રિના પ્રથમ દિવસે, એટલે કે 11 ઓક્ટોબર, 2026ના રોજ અંબાજી દેવસ્થાન ખાતે વિશેષ સમારોહ યોજાવાનો છે. કાર્યક્રમ સવારે 10થી 11 વાગ્યા દરમિયાન યોજાશે.
આ સમારોહમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા GI રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહી દેવસ્થાન ટ્રસ્ટને સત્તાવાર GI ટેગનું સર્ટિફિકેટ અર્પણ કરશે.
મોહનથાળની ઓળખ અને ગુણવત્તાને મળશે સંરક્ષણ
GI ટેગ મળવાથી ‘અંબાજી મોહનથાળ’ નામના અનધિકૃત ઉપયોગ અને નકલ સામે કાનૂની સંરક્ષણ મેળવવામાં મદદ મળશે. સાથે જ, આ પ્રસાદની પરંપરાગત ઓળખ, ગુણવત્તા અને વિશિષ્ટતા જાળવવા માટે આ માન્યતા મહત્ત્વપૂર્ણ બની શકે છે.
અંબાજી મંદિરનો મોહનથાળ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલો પ્રસાદ છે. હવે GI ટેગ મળતાં તેને દેશના વિશિષ્ટ ભૌગોલિક ઓળખ ધરાવતા ઉત્પાદનોમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિથી અંબાજીની ધાર્મિક પરંપરા અને ગુજરાતની ખાદ્ય સંસ્કૃતિને નવી ઓળખ મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : Yogi Adityanath: યુપીમાં 36થી 85 થઈ મેડિકલ કોલેજોની સંખ્યા, MBBSની બેઠકો પણ વધી






