બાળ વૈજ્ઞાનિક બનવાની સુવર્ણ તક: NCSC-2026 માટે નોંધણી શરૂ, 15 ઓગસ્ટ સુધી નિઃશુલ્ક અરજી


બાળ વૈજ્ઞાનિક બનવાની સુવર્ણ તક: NCSC-2026 માટે નોંધણી શરૂ, 15 ઓગસ્ટ સુધી નિઃશુલ્ક અરજી


ગુજરાતના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન ક્ષમતા અને નવીન વિચારસરણી વિકસે તે હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે યોજાતો આ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ બાળકોને પોતાના વિસ્તારની સ્થાનિક સમસ્યાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી તેના વ્યવહારુ ઉકેલો રજૂ કરવાની તક આપે છે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ, ભારત સરકારના NCSTCના માર્ગદર્શન હેઠળ યોજાતા આ કાર્યક્રમનું ગુજરાતમાં રાજ્ય સંયોજક તરીકે GUJCOST આયોજન કરી રહ્યું છે. વર્ષ 2014થી ગુજરાતમાં જિલ્લા અને રાજ્યકક્ષાએ યોજાતા આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ સંશોધન આધારિત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે.
આ વર્ષે NCSCની મુખ્ય થીમ “Science and Innovation for Sustainability” રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ કચરા વ્યવસ્થાપન, ઊર્જા, જળ સંરક્ષણ, ખોરાક-કૃષિ-આરોગ્ય અને ભારતીય જ્ઞાન પરંપરા જેવા પાંચ વિષયોમાં પ્રોજેક્ટ તૈયાર કરી શકશે.
ધોરણ 6થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાની બહારના 10થી 17 વર્ષના વિદ્યાર્થીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓએ માર્ગદર્શક શિક્ષકના માર્ગદર્શન હેઠળ બે સભ્યોની ટીમ બનાવી પ્રોજેક્ટ રજૂ કરવાનો રહેશે.
જિલ્લા કક્ષાએ પસંદ થયેલા શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ રાજ્ય કક્ષાએ પહોંચશે અને ત્યારબાદ ગુજરાતમાંથી 26 શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે નોંધણી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને ઓનલાઈન નોંધણીની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2026 છે.
આ ઉપરાંત, નવીન અને ઉપયોગી પ્રોજેક્ટ્સને GUJCOSTના Intellectual Property Facilitation Centre (IPFC) મારફતે પેટન્ટ, ડિઝાઇન અને કૉપિરાઇટ જેવી બૌદ્ધિક સંપદા સુરક્ષા મેળવવા માટે પણ સહાય આપવામાં આવશે. રાજ્યની શાળાઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને વધુમાં વધુ સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.




