સુરતના નાસીરનગરમાં ડિમોલિશન બાદ વરસાદી મુશ્કેલી, રહિશો ખુલ્લા આકાશ નીચે બેસવા મજબૂર



સુરતના નાસીરનગરમાં ડિમોલિશન બાદ વરસાદી મુશ્કેલી, રહિશો ખુલ્લા આકાશ નીચે બેસવા મજબૂર



સુરત: સુરતના નાસીરનગર વિસ્તારમાં મનપા દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ અનેક પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે વરસાદ પડતા અસરગ્રસ્ત પરિવારો ખુલ્લા આકાશ નીચે બેસવા મજબૂર બન્યા હતા.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ડિમોલિશન બાદ મનપા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને વરસાદ વચ્ચે રસ્તા પર સમય પસાર કરવાનો વારો આવ્યો હતો. આ સ્થિતિને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી સુરત મહાનગરપાલિકા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે ઝુંબેશ ચલાવી રહી છે. તેના ભાગરૂપે નાસીરનગર વિસ્તારમાં પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, રહિશોનું કહેવું છે કે કાર્યવાહી પહેલાં તેમના પુનર્વસન અથવા વૈકલ્પિક રહેઠાણ અંગે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી.
વરસાદ શરૂ થતાં અસરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો હતો. સ્થાનિકોએ મનપા સમક્ષ તાત્કાલિક આશ્રય અને અન્ય મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.




