નાસિકમાં વલસાડના મજૂરોને લઈ જતી બોલેરો જીપ અકસ્માતગ્રસ્ત, 25થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વલસાડના કપરાડા તાલુકાના મજૂરોને લઈ જતી મહિન્દ્રા બોલેરો જીપ ગંભીર અકસ્માતનો ભોગ બની છે. ત્ર્યંબકેશ્વર નજીક જીપ 25 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં 25થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે.
Rahul Desai
Rahul Desai
નાસિકમાં વલસાડના મજૂરોને લઈ જતી બોલેરો જીપ અકસ્માતગ્રસ્ત, 25થી વધુ મજૂરો ઈજાગ્રસ્તનાસિકમાં વલસાડના મજૂરોને લઈ જતી બોલેરો જીપ અકસ્માતગ્રસ્ત, 25થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત

વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માલઘર ગામના ઇહદર ફળિયાના 25થી 30 જેટલા મજૂરોને લઈને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ગિરનારે મજૂરી કામ માટે જઈ રહેલી મહિન્દ્રા બોલેરો જીપ ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં 25થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, નાસિક જિલ્લાના ત્ર્યંબકેશ્વર તાલુકાના ખરપડી ગામ નજીક ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બોલેરો જીપ બે-ત્રણ પલટી મારીને અંદાજે 25 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનમાં સવાર અનેક મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને નજીકના સુથારપાડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત કેટલાક મજૂરોને વધુ સારવાર માટે ધરમપુર તેમજ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન, સુથારપાડા CHCના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. વિરેન્દ્ર પટેલનો સંપર્ક કરી ઘાયલોની યાદી અંગે માહિતી માંગવામાં આવી હતી. જોકે તેમણે જણાવ્યું કે, "ઉપરથી અમને માહિતી આપવાની પરવાનગી નથી. તમે કપરાડામાંથી માહિતી મેળવી લો." જેના કારણે ઈજાગ્રસ્તોની સત્તાવાર વિગતો જાહેર થઈ શકી નથી અને અનેક સવાલો ઉભા થયા છે.

હાલ પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ કપરાડા વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે ઈજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલ તરફ દોડી રહ્યા છે. અધિકારીઓ દ્વારા વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.