નર્મદા ભાજપમાં આંતરિક જૂથવાદ? પ્રશિક્ષણ શિબિરમાં સાંસદ-MLA ગેરહાજર



નર્મદા ભાજપમાં આંતરિક જૂથવાદ? પ્રશિક્ષણ શિબિરમાં સાંસદ-MLA ગેરહાજર



Narmada BJP Controversy: નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026' અંતર્ગત બે દિવસીય મંડળ સ્તરના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના બે વિધાનસભા વિસ્તાર અને ચાર મંડળોના કાર્યકર્તાઓ માટે યોજાયેલા આ પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ ગત 2 જુલાઈના રોજ સાંસદ જશુંભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
સમાપન પ્રસંગે રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાએ કાર્યકર્તાઓને ભાજપની વિચારધારા, સંગઠન પદ્ધતિ, સેવા કાર્ય, સુશાસન તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રશિક્ષણ વર્ગોનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કાર્યકર્તાઓને વિચારધારાત્મક તેમજ સંગઠનાત્મક રીતે વધુ સજ્જ કરવાનો હતો. જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નર્મદા જિલ્લા ભાજપની આંતરિક જૂથબંધી ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, કાર્યક્રમમાં જિલ્લાના કેટલાક મહત્વના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અથવા તેઓ કાર્યક્રમથી દૂર રહ્યા હતા. જેના કારણે સંગઠનની એકતા અંગે અનેક સવાલો ઊભા થયા છે.
નર્મદા જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલી આવતી આંતરિક ખેંચતાણ છેલ્લા કેટલાક મહિનાઓમાં વધુ સ્પષ્ટ બની હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. અગાઉ પણ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. ધારાસભ્યએ જિલ્લા પ્રમુખના વર્તનથી નારાજ થઈ ધરણાં પર બેસીને તેમના રાજીનામાની માગણી કરી હતી. એટલું જ નહીં, માગણી સ્વીકારવામાં નહીં આવે તો પોતે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના અનેક કાર્યકર્તાઓએ ધારાસભ્યના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. આ ઘટનાએ જિલ્લા ભાજપની આંતરિક અસંતોષની સ્થિતિને જાહેર ચર્ચાનો વિષય બનાવી હતી.
તાજેતરમાં યોજાયેલા પ્રશિક્ષણ મહાઅભિયાનમાં પણ કેટલાક મહત્વના નેતાઓ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને સાંસદ મનસુખભાઇ વસાવાની ગેરહાજરી અથવા આમંત્રણને લઈને ઊઠેલી ચર્ચાએ ફરી એકવાર જૂથબંધીના મુદ્દાને હવા આપી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, પક્ષના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સંગઠનમાં એકતા જાળવવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં જિલ્લા સ્તરે મતભેદો હજુ સુધી દૂર થયા નથી.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ભાવિ રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને ભાજપ માટે આંતરિક મતભેદો દૂર કરીને સંગઠનાત્મક એકતા જાળવવી અગત્યની રહેશે. કાર્યકર્તાઓને સંગઠન અને વિચારધારા અંગે પ્રશિક્ષિત કરવા સાથે નેતૃત્વ વચ્ચે સંકલન અને વિશ્વાસ જાળવવો પણ એટલો જ જરૂરી બનશે.




