નારિયેળ પાણી સૌ માટે લાભદાયક નથી, કોને ટાળવું જાણો અહીં



નારિયેળ પાણી સૌ માટે લાભદાયક નથી, કોને ટાળવું જાણો અહીં



coconut water: નારિયેળ પાણીને સામાન્ય રીતે એક ખૂબ જ સ્વસ્થ અને કુદરતી હેલ્ધી ડ્રિંક માનવામાં આવે છે. તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને ઉનાળામાં ડિહાઈડ્રેશન દૂર કરવા માટે લોકો તેનો ખૂબ જ ઉપયોગ કરે છે. પરંતુ તબીબી નિષ્ણાતોના મત મુજબ, નારિયેળ પાણી દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી અને કેટલીક પરિસ્થિતિમાં તેનો વધારે ઉપયોગ નુકસાનકારક બની શકે છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ, જેમને પાચન તંત્ર નબળું હોય તેઓએ નાળિયેર પાણી સાવચેતીથી પીવું જોઈએ. તેમાં રહેલા હળવા લૅક્સેટિવ ગુણો કેટલાક લોકોમાં પેટ વધારે સક્રિય કરી શકે છે, જેના કારણે ડાયરીયા અથવા પેટમાં અસ્વસ્થતા થઈ શકે છે.
કિડનીની બીમારી ધરાવતા દર્દીઓ માટે પણ નારિયેળ પાણીનું વધુ સેવન જોખમી બની શકે છે. તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. જ્યારે કિડની યોગ્ય રીતે કાર્ય કરતી ન હોય ત્યારે શરીરમાં પોટેશિયમ બહાર કાઢવામાં મુશ્કેલી થાય છે, જેનાથી હાઇપરકેલેમિયા જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
આ ઉપરાંત, જેમનું બ્લડ પ્રેશર સામાન્ય કરતા ઓછું રહે છે અથવા જે લોકો બ્લડ પ્રેશર માટેની દવાઓ લે છે, તેમણે પણ નારિયેળ પાણી સાવચેતીથી પીવું જોઈએ. કારણ કે તે બ્લડ પ્રેશરને વધુ ઘટાડવાની શક્યતા રાખે છે, જેનાથી ચક્કર આવવા અથવા નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
નિષ્ણાતો એ પણ ચેતવણી આપે છે કે વધારે પ્રમાણમાં નારિયેળ પાણી પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી શકે છે. ખાસ કરીને પોટેશિયમ અને સોડિયમનું અસંતુલન થવાથી માંસપેશીઓમાં કમજોરી, થાક અથવા અનિયમિત હૃદયધબકારા જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.
આથી નારિયેળ પાણી જેટલું લાભદાયક છે, એટલું જ તેનું યોગ્ય માત્રામાં અને યોગ્ય પરિસ્થિતિમાં સેવન કરવું જરૂરી છે. સ્વસ્થ વ્યક્તિઓ માટે તે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ ઉપરોક્ત પરિસ્થિતિ ધરાવતા લોકો માટે ડૉક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય ગણાય છે.




