ગાંધીનગરમાં રાજ્યની 12 હજાર આરોગ્ય સંસ્થાઓમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ



ગાંધીનગરમાં રાજ્યની 12 હજાર આરોગ્ય સંસ્થાઓમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ



ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં સ્વચ્છતા અને સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યની અંદાજે 12 હજાર આરોગ્ય સંસ્થાઓમાં 'નમો સ્વચ્છતા અભિયાન'નો બુધવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે અભિયાનને માત્ર ઝુંબેશ પૂરતું નહીં રાખી તેને કાયમી સ્વચ્છતા અભિયાન તરીકે વિકસાવવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોનું તબક્કાવાર નિરીક્ષણ કરવામાં આવશે અને જ્યાં તૂટેલી અથવા બિનઉપયોગી ચીજવસ્તુઓ હશે તેને બદલવામાં આવશે. દર્દીઓ અને તેમના સગાઓને સ્વચ્છ અને સુવિધાસભર વાતાવરણ મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે હોસ્પિટલોમાં કાર્યરત સફાઈ કર્મચારીઓના પ્રયાસોની પ્રશંસા કરતાં લોકોને પણ સહયોગ આપવા અપીલ કરી હતી. હોસ્પિટલ પરિસરમાં ગંદકી ન ફેલાવવા અને સ્વચ્છતા જાળવવામાં દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
પ્રફુલ્લ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે સ્વચ્છ દીવાલો કે જાહેર સ્થળોને ગંદા કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે.
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ, રાજ્યમાં શરૂ થયેલું આ અભિયાન સમગ્ર દેશમાં આરોગ્ય ક્ષેત્ર માટે સ્વચ્છતા અંગે પ્રેરણારૂપ બનશે અને દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે.




