નડિયાદમાં કાંસની સફાઈ વહેલી પૂરી કરવા માગ, 500 વેપારીઓ હેરાન



નડિયાદમાં કાંસની સફાઈ વહેલી પૂરી કરવા માગ, 500 વેપારીઓ હેરાન



Nadiad News: નડિયાદ શહેરના મધ્યમાંથી પસાર થતાં વરસાદી પાણીના નિકાલનો મુખ્ય કાંસની સફાઈ અને રિનોવેશનની કામગીરી છેલ્લા ઘણાં દિવસોથી ચાલી રહી છે. હાર્દસમા સ્ટેશન રોડ પર સરદારની પ્રતિમા વિસ્તારમાં સરાદર ભુવનની દુકાનો ઉતાર્યા બાદ છેલ્લા લાંબા સમયથી કાંસની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 26 દિવસથી તો સરદારની પ્રતિમા વિસ્તારને સંપૂર્ણ પતરાના આડબંધ લગાવી મુખ્ય રોડ બ્લોક કરી કાંસની આ કામગીરી કરવામાં આવી રહી છે. જો કે રોડ બ્લોક થતાં અહીંયાના 500થી વધુ નાનામોટા વેપારીઓની હાલત કફોડી બની છે. વેપાર, ધંધાને અસર થતાં વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે.
સ્થાનિક વેપારીઓએ મંગળવારે નારાજગી સાથે એકઠા થયા હતા અને કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. મંદગતિએ ચાલતા કામગીરીના કારણે તેમના વેપાર, ધંધાને મોટી અસર પડી રહી હોવાનું રોષ પૂર્વક જણાવ્યું છે. વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ કરી આ મુખ્ય રસ્તો ખુલ્લો કરે તેવી માગ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, વેપારીઓ એકલા નહીં બસ-રેલવેમાં મુસાફરી કરતા નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીવર્ગને પણ હાલાકી ભોગવવી પડી રહી છે.
કારણ કે, બસો ફરી ફરીને આવતા મુસાફરોનો સમય વ્યય થતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આ તરફ આ મુખ્ય રસ્તાનો દૈનિક ઉપયોગ કરતા નડિયાદના નગરજનો અને વાહનચાલકો પણ આ કામગીરી વહેલી પુરી કરવા માગ કરી રહ્યા છે. જો ચોમાસા પૂર્વે આ કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો નડિયાદીઓ માટે આફત બનશે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ તરફ નડિયાદ કોર્પોરેશનના મેયર મનિષ પટેલે આ મામલે જણાવ્યુ હતુ કે, કાંસ સફાઈની કામગીરી ચાલુ જ છે. વર્ષો જૂનો કાંસ હોવાથી જેમ જેમ ખુલ્લો કરતા જઈએ છીએ તેમ તેમ કચરાનો નિકાલ કરતા જઈએ છે. હાલમાં સરદાર ભવન પાછળના ભાગે કાંસની સફાઈ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ત્યાં નળ ખોલી લેવલિંગની કામગીરી કરવાની ચાલુ છે કાંસની કામગીરી સમય માગી લે તેમ હોવાથી સહકાર આપવા અપીલ કરી છે.




